)
ઉદય રંજન/અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ શ્રીનાથ એપાર્ટમેન્ટ પાસે એક યુવકને માર મારવાનો બનાવ બન્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વાડજ પોલીસે બે ટીમો બનાવી આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી. જેમાં સફળતા મળતા પોલીસે જીગર દેસાઈ, સચિન પટણી, શ્યામજી પટણી અને આકાશ પટણી નામના ચાર આરોપીઓને ઝડપી લીધા છે.
આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, જિગર દેસાઈએ સચિનને તેના સાળાને માર મારવા માટે રૂપિયા 20 હજારમાં સોપારી આપી હતી. સચિને તેના મિત્ર શ્યામજી અને આકાશને રૂપિયા 900 લેખે આપ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ફરિયાદી યુવકની બહેને આઠેક મહિના પહેલા જીગર દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. જો કે, પાંચેક દિવસ સુધી સાસરીમાં રહ્યા બાદ જીગર દેસાઈ સાથે અણબનાવ થતા તે પરત પિયર આવી ગઈ હતી. ત્યારથી તેને જીગર દેસાઈ સાથે છૂટાછેડાને લઈને ઝઘડા ચાલતા હતા. આ ઝગડામાં જિગર દેસાઈએ તેના સાળા અમિત પરમારને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું. અમિત પરમાર જ્યારે તેના ઘરની બહાર બેઠો હતો. ત્યારે આરોપીઓએ રિક્ષામાં આવીને અંધારાનો લાભ લઈ તેને માર માર્યો હતો અને રિક્ષા લઈને ફરાર થઈ ચૂક્યા હતા.
આરોપીઓને પકડવા માટે વાડજ પોલીસે બે ટીમો બનાવી હતી અને લગભગ 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. અંતે રીક્ષાની ઓળખ થતા પોલીસે ઓઢવ વિસ્તારમાંથી પેસેન્જર બની મીઠાખળી સુધી રીક્ષા ભાડે કરી હતી અને એક પછી એક એમ ચારેય આરોપીઓને ઝડપી લીધા છે. હાલમાં વાડજ પોલીસે આરોપીઓને ઝડપી સમગ્ર મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે.