)
Rajkot News: બુધવારે સવારે રાજકોટમાં એક સિટી બસના ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હતો. ડ્રાઇવરે એક સાથે સાતથી આઠ વાહનોને ટક્કર મારતા 4 નિર્દોષનાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બસ ડ્રાઇવર સહિત કુલ 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે.
કંપનીને કોર્પોરેશન કરશે માત્ર 2674 રૂપિયાનો દંડ
FSL રિપોર્ટ મુજબ બસમાં કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ અકસ્માતની ઘટનામાં બસ એજન્સીને માત્ર 2,674 રૂપિયાનો દંડ ફટકારાયો છે. અકસ્માતની ઘટનામાં કંપનીને દંડ ફટકારાતા લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. રાજકોટ મનપા અને કંપની વચ્ચે થયેલ કોન્ટ્રાક્ટ મુજબ દંડ કરાશે. મનપા કંપનીને પ્રતિ કિલોમીટર દીઠ 53.48 રૂપિયા ચુકવે છે. અકસ્માતમાં કંપનીને 50 કિમી ટ્રીપના દંડની જોગવાઈ મુજબ દંડ વસૂલશે.
એજન્સીનું સંચાલન કરે છે ભાજપના નેતા વિક્રમ ડાંગર
બીજી બાજુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્લીની PMI કંપની પાસે છે, રાજકોટ મનપાના પૂર્વ આસિસ્ટન્ટ ઈજનેર જસ્મિન રાઠોડ કાર્યભાર સંભાળે છે. ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર પણ બસનું સંચાલન કરે છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ બેઠક કરી છે. આ બેઠકમાં જુદા-જુદા વિભાગના અધિકારી હાજર રહ્યા હતા, તેમજ તપાસમાં કંપની, એજન્સીના માણસોની જવાબદારી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.
અકસ્માતના કેસમાં ZEE 24 કલાક પર સૌથી મોટા સમાચાર
રાજકોટ સિટી બસે સર્જેલા અકસ્માતના કેસમાં ZEE 24 કલાક પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કરોડો રૂપિયાના સિટી બસ સંચાલનમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ઇલેક્ટ્રિક બસ કંપની PMI દિલ્હીની હોવાનું સામે આવ્યું છે. ભાજપના નેતા વિક્રમ ડાંગરની વિશ્વમ કંપની સાથે કરાર કર્યો હતો. બસના ડ્રાઈવર સ્થાનિક સ્તરે લેવામાં આવ્યા છે. વિશ્વમ સિટી બસ સાથે જુલાઈ 2022માં કોન્ટ્રાકટ કરાયો હતો. કોન્ટ્રાકટ બાદ અનેક વખત કંપનીને નોટિસ મળી હતી. વારંવાર દંડ થવા છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
બસ ડ્રાઇવરના ડ્રાઇવિંગ લાયસન્સની મુદત ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થઈ ગઈ
તપાસમાં જાણવા મળ્યું કે બસ ડ્રાઇવરના ડ્રાઇવિંગ લાયસન્સની મુદત ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. RTOની તપાસમાં બસમાં કોઈ યાંત્રિક ખામી ન હોવાનું બહાર આવ્યું છે, પરંતુ ગાંધીગ્રામ પોલીસે હત્યા ન ગણાતા સાઅપરાધ માનવવધ અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં બસ ડ્રાઈવરની સારવાર ચાલી રહી છે અને તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ડિસ્ચાર્જ થયા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
15થી 20 અજાણ્યા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી
ઈન્દિરા સર્કલ નજીક સિટી બસ અકસ્માત મુદ્દે પોલીસે બસ પર પથ્થરમારો કરવા મુદ્દે ગુનો દાખલ કર્યો છે. પોલીસે 15થી 20 અજાણ્યા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. બસમાં તોડફોડ, પોલીસની ફરજમાં રુકાવટનો ગુનો નોંધ્યો છે. ડ્રાઈવરને માર મારવા અંગે પણ ગુનો દાખલ કરાયો છે. પોલીસે વીડિયોમાં દેખાતા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. હાલ બસના ડ્રાઈવર શીશુપાલના હાલત નાજુક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ સિટી બસે સર્જેલા અકસ્માત પર મોટા સમાચાર
સિટી બસની બ્રેક ફેઈલ ન હોવાનો ખુલાસો થયો છે. બસમાં કોઈ જ ખામી ન હોવાનું સામે આવી ચૂક્યું છે. RTOની પ્રાથમિક તપાસમાં આ વિગતો સામે આવી ચૂકી છે. બસ ખરીદ્યાને 19 મહિના જ થયા હતા. બસનો વીમો ચાલુ હતો, બસમાં કોઈ જાતની ખામી નહોતી. FSL રિપોર્ટમાં વધુ વિગતો સામે આવી શકે છે.