)
Gujarat Politics હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની એક ચટપટી ખબર સામે આવી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ, સચિવોને સોમવાર અને મંગળવારે પોતાની ચેમ્બરમાં જ બેસવા, અન્ય કોઈ મિટીંગનું આયોજન ન કરવા આદેશ કર્યો હતો. પરંતુ આજે સપ્તાહના ખૂલતા દિવસે સોમવારે અનેક મંત્રીઓ સાહેબનો આદેશ ઘોળીને પી ગયા અને ગાંધીનગરમાં ગેરહાજર જોવા મળ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોમવારે અને મંગળવારે મંત્રીઓને ફરજિયાત હાજર રહેવા આદેશ કર્યો છે. છતાં આજે પણ સોમવારે 90 ટકા થી વધુ મંત્રીઓ 12 વાગ્યા સુધીમાં પોતાની ચેમ્બરમાં ગેરહાજર જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી જામનગરના પ્રવાસે છે, તો નાયબ મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે હોવાથી ગેરહાજર છે. પરંતું અન્ય મંત્રીઓ યાત્રા કે અન્ય કારણોસર સોમવારે પણ 12 વાગ્યા સુધી પોતાની ચેમ્બરમાં આવ્યા ન હતા.
સરકારનો મોટો નિર્ણય : સરકારી કર્મચારીઓ માટે ચાર્જ એલાઉન્સની જાહેરાત, વધીને આવશે પગાર
બે સપ્તાહ પહેલા જ મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સોમવાર અને મંગળવારે ફરજિયાત હાજર રહેવા સૂચના આપી હતી. આમ છતાં ગત સોમવારે પણ 12 વાગ્યા સુધી મંત્રીઓની ગેરહાજરી જોવા મળી હતી. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કેબિનેટ માં બે જ્યારે રાજ્યકક્ષાના ત્રણ મંત્રી હાજર હતા.
વાત કરીએ કેટલાક ગેરહાજર નેતાઓની તો, કેબિનેટ મંત્રી ડો પ્રદ્યુમન વાજા હાજર હતા. રાજ્યકક્ષાના મનીષા વકીલ, કૌશિક વેકરીયા તથા પ્રવિણ માળી હાજર હતા. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. તો અર્જુન મોઢવાડિયા જામનગર છે એટલે ગેરહાજર છે. જોકે, આ સિવાય અનેક મંત્રીઓ ફરક્યા ન હતા.