)
ગાંધીનગરઃ એક તરફ ખેડૂતો ખાતરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ચોમાસાની સીઝનમાં ખાતર લેવા માટે ખેડૂતો લાઈનમાં ઉભા હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ ગુજરાતમાં જોવા મળ્યા છે. બીજીતરફ સબસિડીવાળા ખાતરમાં ચાલતી ગેરરીતિનો ખુલાસો થયો છે. સબસિડીવાળા ખાતરની બોરીઓ બારોબાર વેચી મારવાની ગેરરીતિ સામે આવી છે. તપાસ દરમિયાન અન્ય ગડબડી પણ સામે આવી છે.
સબસિડી વાળા ખાતરમાં ચાલતી ગડબડીની તપાસમાં થયો મોટો ખુલાસો
વડાલીની મહેસા મોટર્સ નામની એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ એજન્સી દ્વારા 400 બોરી ખાતર બારોબાર વેચી મારવામાં આવ્યું છે. સબસિડીવાળું ખાતર ખેડૂતોને આપવાની જગ્યાએ આ એજન્સી બારોબાર વેચી નાખતી હતી. તપાસ બાદ ગેરરીતિનો પર્દાફાશ થયો છે.
ખાતરમાં ચાલતી ગેરરીતિ રોકવા માટે તપાસ કરવામાં આવી હતી. 214 કેન્દ્રના સંચાલકોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. આ સિવાય 54 કેન્દ્રો પર ખાતરના વેચાણના બિલ જ ન બન્યા કે ખોટા બિલ બન્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. 138 કેન્દ્રો પર ખાતરના સ્ટોકમાં ગડબડી સામે આવી છે.
આ સિવાય 117 કેન્દ્રો પર સ્ટોક પત્રક અને POS મશીનનો સ્ટોક મેચ ન થવાનું સામે આવ્યું છે. જ્યારે 119 કેન્દ્રો પર રજીસ્ટરમાં દર્શાવેલી ખાતરની બોરીઓ ગાયબ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં 214 ખાતર કેન્દ્રોમાં 529 ગેરરીતિ સામે આવી છે. તંત્ર દ્વારા 18 જિલ્લાના કુલ 904 કેન્દ્રોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 6 વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા જ્યારે બે વિક્રેતાઓના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે.