)
Dwarka Heavy Rain: દેવભૂમિ દ્વારકામાં મેઘાએ તાંડવ મચાવ્યું છે. જી હા...દ્વારકાના કલ્યાણપુરમાં પોણા 11 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો દ્વારકા શહેરમાં 6 ઈંચને પાર વરસાદ વરસ્યો છે. ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 23 ઓગસ્ટ દરમિયાન દરિયામાં ભારે પવન અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સલામતીના ભાગરૂપે તમામ બોટ માલિકો, એસોસિએશનો અને સહકારી મંડળીઓને પોતાની બોટોને બંદર પર પરત બોલાવી લેવાનો આદેશ અપાયો છે.
લાંબા ગામમાં મેઘતાંડવ, દોઢ ઈંચ વરસાદમાં જ બજારો બની નદી
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. માત્ર દોઢ ઈંચ જેટલા ટૂંકા સમયગાળાના વરસાદમાં ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પાણીના ધસમસતા પ્રવાહ ગામની શેરીઓ અને બજારોમાં ફરી વળ્યા હતા. આ અચાનક આવેલી વરસાદી આફતને કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ખેડૂતોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. આ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
લાંબા અને ટંકારિયા જેવા ગામોમાં વહેલી સવારે મુશળધાર વરસાદ
દ્વારકાના ગ્રામીણ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ થયો. લાંબા અને ટંકારિયા જેવા ગામોમાં વહેલી સવારે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ અનરાધાર વરસાદને કારણે લાંબા ગામના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી, જેના લીધે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. આ ભારે વરસાદના કારણે નાના ચેક ડેમ અને નદીઓમાં નવા નીરની આવક થઈ હતી, જેનાથી જળસંચયમાં વધારો થયો છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ આ વિસ્તારમાં વધુ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા હજુ પણ આ વિસ્તારમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે સ્થાનિકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ વરસાદ ખેડૂતો માટે ખુશીના સમાચાર લાવ્યો છે કારણ કે તેનાથી કૃષિ પાકોને ફાયદો થશે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે
વાવાઝોડા જેવા પવન અને વીજળીના કડાકા સાથે કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પ્રચંડ બેટિંગ કરતા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી છે. લાંબા સમયના વિરામ બાદ, લાંબા, ધૂમથર અને ભોગાત સહિતના ગામોમાં વાવાઝોડા જેવા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકો માટે અમૃત સમાન સાબિત થયો છે. જે પાકના ઉત્પાદનને વેગ આપશે. ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને જનજીવનને નવજીવન મળ્યું છે અને લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે ખુશીનો માહોલ સર્જાયો છે.
દ્વારકામાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી. જગતમંદિર અને છપ્પન સિડી પરથી અદ્ભુત દૃશ્યો
યાત્રાધામ દ્વારકામાં આજે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસતા આખો વિસ્તાર જળબંબાકાર થયો છે. દ્વારકાના મુખ્ય વિસ્તારો જેવા કે ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક અને રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે. જેના કારણે લોકોને થોડી મુશ્કેલી પડી રહી છે.આ ભારે વરસાદ વચ્ચે ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સિડી પરથી વહેતા વરસાદી પાણીનો અદભૂત અને અલભ્ય નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઘણા સમય બાદ મેઘરાજાએ દ્વારકામાં મન મૂકીને વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે.
દ્વારકામાં જળબંબાકાર વરસાદ ખાબક્યો, સામાન્ય વરસાદમાં જ માર્ગો પર કમર સુધીના પાણી ભરાયા
દ્વારકા શહેરમાં સામાન્ય વરસાદના કારણે પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ભદ્રકાળી ચોક, તીન બત્તી ચોકથી લઈને રબારી ગેટ સુધીના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. આ મુખ્ય માર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેવા લાગતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તીન બત્તી ચોકથી રબારી ગેટનો માર્ગ તો "બેટ"માં ફેરવાઈ ગયો છે. જેના કારણે આ વિસ્તારમાં આવેલી હોટલો, બેંકો અને રેસ્ટોરન્ટના સંચાલકો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદના કારણે યાત્રાળુઓને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો કમર સુધીના પાણીમાં ચાલીને જવું મજબૂર બન્યા છે.
દ્વારકાના રેલવે સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી, વિદ્યાર્થીઓ અને મુસાફરો મુશ્કેલીમાં...
દ્વારકા અને રેલવે સ્ટેશનને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકો, મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સમસ્યા દર વર્ષે ચોમાસામાં સર્જાય છે. જેના કારણે લોકો પરેશાન છે. આ રસ્તા પર ત્રણથી ચાર જેટલી શાળાઓ આવેલી છે. જેથી વિદ્યાર્થીઓને પાણીના પ્રવાહમાં ચાલીને શાળાએ જવું પડે છે. વિદ્યાર્થીઓએ દ્વારકા નગરપાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે. મુસાફરોને પણ રેલવે સ્ટેશન પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિને કારણે, વિદ્યાર્થીઓ અને મુસાફરો બંને પરેશાન છે
દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘમહેર, ધરતીપુત્રોમાં હરખની હેલી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. લાંબા સમયના વિરામ બાદ, નાવદ્રા, ભોગાત અને લાંબા જેવા ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ અચાનક વરસેલા વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. જોકે, ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. કારણ કે તેમના ઊભા પાકને નવજીવન મળ્યું છે અને તેમની આશા ફરી જાગી છે.