દીકરો વિદેશ ગયો અને લોકોએ ઉઘરાણી ચાલુ કરી, પિતાએ કંટાળીને કર્યો આપઘાત

Father Suicide : એક દીકરાના વિદેશ જવાના ખ્વાબને કારણે પિતાએ જીવ ગુમાવ્યો છે... મહેસાણામાં દીકરાને વિદેશ મોકલ્યો, પિતાએ કરી આત્મહત્યા... વિદેશ મોકલવાના રૂપિયાની ઉઘરાણીથી કંટાળી કરી આત્મહત્યા 

દીકરો વિદેશ ગયો અને લોકોએ ઉઘરાણી ચાલુ કરી, પિતાએ કંટાળીને કર્યો આપઘાત

Mehsana News : દીકરી ન દેજો પરદેશ... એક સમય હતો જ્યારે આ કહેવત બોલાતી હતી કે, દીકરીને પરદેશ ન મોકલતા. પરંતું કળિયુગે એવી કરવટ બદલી છે કે, હવે દીકરાને પરદેશ ન મોકલતા તેવું કહેવું પડી રહ્યું છે. ત્યારે મહેસાણામાં દીકરાને વિદેશ મોકલનારા પિતાને આપઘાત કરવાનો વારો આવ્યો છે. પિતાએ દીકરાને વિદેશ મોકલ્યો, અને અહીં પિતાએ આત્મહત્યા કરી લીધી.  

મહેસાણાનો આ કિસ્સો ચોંકાવનારો છે. સંતાનોના સુખ માટે માતાપિતાને કેવું કરવું પડે છે તેનું ઉદાહરણ આ કિસ્સો છે. એક પિતાએ દીકરાના વિદેશના સપના પૂરા કરવા પોતાનો જીવ લઈ લીધો. મહેસાણાના લાંઘણજ ગામે એક પિતાએ અમદાવાદના એજન્ટોની મદદથી દીકરાને વિદેશ મોકલ્યો, અને પિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદેશ મોકલવાના પૈસાની ઉઘરાણીથી કંટાળીને પિતાએ મોત વ્હાલું કર્યું છે.  

મહેસાણાના ગોઝારીયાના એ-વન બેંગલોઝની આ ઘટના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કૌશિક ચીમનલાલ પંચોલીએ પોતાના દીકરાને વિદેશ મોકલ્યો હતો. આ માટે અમદાવાદના એજન્ટો મોદી ગૌરવ, પટેલ કમલેશ, પટેલ ચિરાગની મદદથી પુત્રને વિદેશ મોકલ્યો હતો. ત્યારે દીકરાને વિદેશ મોકલનાર ગૌરવ, ચિરાગ, કમલેશે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. ત્રણેય શખ્સોએ કૌશિકભાઈને મારી નાખવાની ધમકી આપી છરી બતાવી હતી. 

આથી કંટાળીને કૌશિક પંચોલીને લાગી આવ્યું હતું, અને તેઓએ એસિડ પીને આપઘાત કરી લીધો હતો. એસિડ પી લેતા કૌશિક પંચોલી નું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. સમગ્ર મામલે ત્રણ લોકો સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે. લાંઘણજ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. 

આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તમામ લોકો અમદાવાદ ન્યુ રાણીપ વિસ્તારના રહેવાસી છે. તેઓએ કૌશિક પંચોલીના દીકરાને વિદેશ મોકલી આપ્યો હતો. તેથી રુપિયા માટે તેઓએ કૌશિક પંચોલી સાથ ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી. પૈસાની ઉઘરાણી બાબતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ કૌશિકભાઈને છરી બતાવી કોલર પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે કૌશિકભાઈને લાગી આવ્યું હતું. એસિડ પી જતા સારવાર દરમ્યાન કૌશિકભાઈનું મોત નિપજ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news