)
Vijapur News: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જ્યાં શાળામાં ભણતી એક માસૂમ બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપ્યું હોવાની વિગતો મળી છે. વિજાપુરની સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતી 8 વર્ષની બાળકી સાથે આ ગંભીર ઘટના બનતા દરેક વાલીઓમાં ચિંતા પેઠી છે.
શું બની હતી સમગ્ર ઘટના?
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના વિજાપુરમાં આવેલી એક સ્કૂલની બાળકીએ પોતાની માતાને જણાવ્યું કે, એક અજાણ્યો શખ્સ તેને શાળાની પાછળના ભાગે લઈ ગયો હતો. આ શખ્સે બાળકીના ખભે હાથ મૂકીને તેના હાથની કોણીથી ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
બાળકીને સારવાર અપાઈ
ઘટના બાદ બાળકીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સારવાર માટે લઈ જવામાં આવી હતી. બાળકીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. રાહતની વાત એ છે કે, હાલમાં બાળકી સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે.
પોલીસની તપાસ
આ ઇન્જેક્શન કોણે આપ્યું અને તે ઇન્જેક્શન શેનું હતું, તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે. વિજાપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને શાળા તેમજ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી રહી છે. આ મામલે અજાણ્યા ઇસમો વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે.
વિજાપુર પોલીસ આ ગંભીર ઘટનાના મૂળ સુધી પહોંચવા અને આરોપીને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. આ ઘટનાએ બાળકની સુરક્ષા અને શાળાની આસપાસના વાતાવરણ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.