કચ્છમાં પકડાયેલી નકલી EDના કમાન્ડર નીકળ્યા AAPના નેતાજી! હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કેજરીવાલનો લીધો ઉધડો!
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને નકલી ED ટીમનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ, સીએમઓ અધિકારી સહિતની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી) અધિકારીઓની ટીમ ઝડપાઈ હતી. આ મામલે હવે ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. નકલી EDની ટીમ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ AAP નેતા અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા ખળભળાટ મચ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને નકલી ED ટીમનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા. કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!
જાણો શું હતી સમગ્ર ઘટના?
મહત્વનું છે કે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી) અધિકારીઓની ટીમ ઝડપાઈ હતી. આ નકલી ઈડીની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી હતી. જેમાં પૂર્વ કચ્છ એલસીબી અને એ ડિવિઝન પોલીસ દ્વારા નકલી ઈડીની ગેંગના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા હતા. કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઈડીના નકલી અધિકારીઓ વેપારીઓ ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા હતા.
આ ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસને જાણ થઈ હતી. જેમાં એલસીબીએ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ સહિતના આઠથી વધુ શખસોને ઝડપી પાડયા હતા. આ મામલે અંજાર વિસ્તારના નાયબ પોલીસવડા મુકેશ ચૌધરીએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું અને એલસીબી તથા ગાંધીધામ એ ડિવિઝન પીઆઇ દ્વારા આ મામલે દરોડો પાડવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. જોકે સચોટ માહિતી માટે તેમણે કાર્યવાહી કરનારા અધિકારીઓનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.