મેહુલના ગીત સંગીતના લાઈવ પર્ફોમન્સ સાથે દર્દીઓ મિલાવે છે સુર, તાળીઓના તાલે ભૂલ્યા તેમનું દર્દ

મેહુલને તો ‘ભાવતું હતું ને વૈદે કહ્યું’ જેવી સુખદ પરિસ્થિતિ ઉભી થઈ. બસ પછી તો મેહુલનું કામ રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું. દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમે... ને તેઓનું દર્દ ભુલાય જાય.

મેહુલના ગીત સંગીતના લાઈવ પર્ફોમન્સ સાથે દર્દીઓ મિલાવે છે સુર, તાળીઓના તાલે ભૂલ્યા તેમનું દર્દ

રાજકોટ: છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગતી રહી છે. પહેલા કોરોના (Coronavirus) ના દર્દીઓ અને હવે મ્યુકર માઈકોસીસ (Mucormycosis) ના દર્દીઓને કાઉન્સેલિંગ ટીમના સભ્ય મેહુલ વાઘેલા મ્યુઝિક થેરાપી (Music Theory) આપે છે. મેહુલ વાઘેલા (Mehul Vaghela) ની કાઉન્સેલિંગ અને સંગીત (Music) ની સફર ખુબ રસપ્રદ છે. તેમના પિતાને કોરોના થતા સમરસમાં દાખલ કરાયા હતાં. 

મૂળ સંગીતના શિક્ષક મેહુલ વાઘેલા (Mehul Vaghela) પાસે કોરોનાને લઈને સ્કૂલ બંધ હોઈ કોઈ કામ હતું નહીં. એટલે સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું. દર્દીઓની સંભાળ દરમ્યાન તેમના પિતાને તેઓ ગીત ગાઈ સંભળાવતા. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના ધ્યાને આ વાત આવતા તેઓએ મેહુલ વિષે વધુ જાણકારી મેળવી. મેહુલની ગીતસંગીતની સાધના જોઇને ચરણસિંહ ગોહિલે તેમને કાઉન્સેલિંગ ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી આપવાનું નવું કામ સોંપ્યું. 

મેહુલને તો ‘ભાવતું હતું ને વૈદે કહ્યું’ જેવી સુખદ પરિસ્થિતિ ઉભી થઈ. બસ પછી તો મેહુલનું કામ રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું. દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમે... ને તેઓનું દર્દ ભુલાય જાય.

દર્દીઓ ભજન તેમજ ગુજરાતી (Gujarati) અને હિન્દી (Hindi) ફિલ્મના ગીતોની ફરમાઈશ કરે, મેહુલ પુરી કરે. દર્દીઓ આવે ત્યારે અને સાજા થઈ પરત ઘરે ફરે એટલે ગિટારની ધૂન પર ગાયન સંભળાવી માહોલ ખુશનુમા કરી દે. તેમની કામગીરીથી મેનેજમેન્ટ પણ ખુશ. મેહુલના આ કામમાં અન્ય સ્ટાફ નર્સ અને અટેન્ડેન્ટ પણ સાથોસાથ તેમનો ગાવાનો શોખ પૂરો કરી લે...

મેહુલ કોરોના પૂર્વે રાષ્ટ્રીય શાળા તેમજ સર્વોદય સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત હતાં, પરંતુ લોકડાઉનને કારણે સ્કૂલ બંધ થઈ જતા તેઓને સમરસમાં આ કામગીરી કરવા મળી. મેહુલ ગિટાર ઉપરાંત હાર્મોનિયમ, કી-બોર્ડ અને તબલા પણ વગાડી જાણે. તબલામાં ૪ વર્ષનો કોર્સ કરેલો છે. અને લાઈવ પર્ફોમન્સ આપે ત્યારે ૩ કલાક જેટલો સમય ગીતો ગાઈ શકે છે તેમ મેહુલ જણાવે છે. તેના ફેવરિટ સિંગર સોનુ નિગમ છે જયારે ભજનોમાં શ્રીનાથજીના સહિત અનેક ભજનો તેઓ ગાઈ શકે છે.

પી.પી.ઈ. કીટ (PPE KIT) અને માસ્ક પહેરી પહેલા તો ગીત ગાવામાં અને ગિટાર વગાડવું ફાવતું નહીં, પરંતુ ધીરે ધીરે ફાવી ગયું અને હવે કોઈ જ મુશ્કેલી વગર શાનદાર પર્ફોમન્સ મેહુલ આપી શકે છે. સમરસ કોવીડ સેન્ટર ખાતે આવનારા દિવસોમાં દર્દીઓ રહે કે ના રહે પણ સમરસમાં મેહુલના ગીતની ધૂન ગુંજતી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news