PM બન્યા બાદ ચોથીવાર નવસારીની મુલાકાતે નરેન્દ્ર મોદી, 4 લાખ લોકોની જનમેદનીને સંબોધશે
નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટામાં પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે સંભવિત 12 જૂનના રોજ વિશાળ જનમેદનીને સંબોધશે.
ધવલ પારેખ, ચીખલી : ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. જેમાં નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટામાં પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે સંભવિત 12 જૂનના રોજ વિશાળ જનમેદનીને સંબોધશે. ત્યારે નવસારી જિલ્લા તંત્ર દ્વારા ખુડવેલ ગામે તૈયારીઓ આરંભી દીધી છે. સાથે જ ભાજપ પણ વડાપ્રધાનના આગમનને લઈ ઉત્સાહી બની છે.
ગુજરાત વિધાનસભાની 2022 ની ચુંટણીમાં ભાજપ 150 ના ટાર્ગેટ સાથે મેદાને ઉતરી રહી છે. ત્યારે ભાજપનો મજબૂત ગઢ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં હજી પણ ઘણી બેઠક કોંગ્રેસ પાસે છે. જેમાં નવસારીને અડીને આવેલી ડાંગ અને કપરાડા બેઠક ગત પેટા ચુંટણીમાં ભાજપે જીત્યા બાદ નવસારીની વાંસદા બેઠક કબજે કરવાના પ્રયાસો આરંભયા છે. જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે વાંસદા વિધાનસભા બેઠક રાજકીય દત્તક લેવાની જાહેરાત કરી હતી.
પરંતુ હાલમાં વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન ચલાવી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને સાથે રાખી વિવિધ જગ્યાએ મહારેલીઓ યોજી રિવર લિંક પ્રોજેકટમાં શ્વેતપત્રની માંગ કરી રહ્યા છે. જોકે ભાજપે પ્રોજેકટને મોકૂફ રાખ્યાંની જાહેરાત કરવા છતાં અનંત પટેલ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. જેમાં પણ આગામી 12 જૂન ના રોજ વાંસદા વિધાનસભાના જ એક ગામ એવા ચીખલી તાલુકાના ખુડવેલ ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જાહેર થયો છે.
ગુજરાતમાં આગામી બે દિવસો આકરા, 6 શહેરોમાં પારો 40ને પાર, સુરેન્દ્રનગર બન્યું અગનભઠ્ઠી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત 12 જૂનનો કાર્યક્રમને ધ્યાને રાખી જિલ્લા તંત્ર દ્વારા ખુડવેલ ગામે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ખુડવેલ ચાર રસ્તાથી નજીક જ કાર્યક્રમ માટે 65 વીઘા જમીન પસંદ કરવામાં આવી છે. જેમાં હાલ જમીનને સમતળ કરવાની કામગીરી આરંભાઈ છે. જેમાં 25 જેસીબી, 4 પોકલેન્ડ, 50 ટ્રેકટર, 10 હાઈવા ટ્રક તેમજ 150 થી વધારે લોકો કામમાં જોતરાયા છે. અહીં જર્મન ડોમ ઉભો કરવામાં આવશે અને અંદાજે 3 થી 4 લાખ લોકોની જનમેદનીને વડાપ્રધાન મોદી સંબોધન કરશે. જેને લઈને ખુદવેલના આગેવાનોમાં પણ ઉત્સાહી બન્યા છે કારણ નાનકડા ખુડવેલ ગામમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમ થકી દેશમાં ખુદવેલને ઓળખ મળશે સાથે જ વડાપ્રધાન આવવાના હોય વિકાસને પણ ગતિ મળશે. બીજી તરફ ભાજપ પણ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ઉત્સાહી બન્યુ છે. સાથે જ ભાજપ પ્રારંભથી જ આદિવાસીઓ માટે વિચારતી સરકાર રહી હોવાની વાત સાથે આગામી ચુંટણીમાં નવસારીની ચારેય બેઠકો પર કમળ ખીલવવાની આશા પણ વ્યક્ત કરી છે. સાથે જ વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમને લઈ જિલ્લા તંત્ર સહિત ભાજપીઓમાં બેઠકોનો દોર શરૂ થયો છે.
ઉલ્લેખનિય છે કે, ભારતની સત્તાનું સુકાન સાંભળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોથીવાર નવસારી આવી રહ્યા છે. જ્યારે આદિવાસી પટ્ટામાં વર્ષ 2012 માં કોંગ્રેસે તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિંહનો કાર્યક્રમ કરાવી આદિવાસી પટ્ટાની 5 બેઠકો કબ્જે કરી હતી. ત્યારે 12 જૂનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાદ ભાજપને કેટલો ફાયદો મળશે એ જોવું રહ્યુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube