)
Navsari News નવસારી : નવસારીના બીલીમોરામાં વશ ફિલ્મ જેવી ઘટના સામે આવી છે. સપનામાં આદેશ થતા માતાએ વ્હાલસોયા બે બાળકોની ગળુ દબાવી હત્યા કરી નાંખી છે.
ગત મોડી રાતે બીલીમોરાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના તમને ગુજરાતી ફિલ્મ વશની યાદ અપાવશે. માતાને સપનામાં કોઈએ બાળકોને મારવાનું કહેતા બંને બાળકોને ગળુ દબાવી મારી નાંખ્યા છે. બાળકોની હત્યા બાદ પોતાના સસરાને પણ મારવાનો પ્રયાસ કર્યો, પણ સસરા નાસી છૂટતા તેમનો જીવ બચી ગયો છે. આ દરમિયાન માતા પોતાને પણ આદેશાનુસાર ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી.
ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દરવાજો તોડી મહિલાને બચાવી લેવાઈ છે. બીલીમોરા પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી છે. આરોપી મહિલાનો પતિને ટાઈફોઈડ હોવાથી બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. ત્યારે મહિલાએ બાળકોની હત્યા કરી હતી.
પોલીસે નિષ્ઠુર માતા વિરૂધ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો.