)
Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારીના વિજલપોર વિસ્તારમાં સુશ્રુષા હોસ્પિટલ ની સામે આવેલ નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં આજે સવારે એક કરૂણાંતિકા બની હતી.
એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહેતા વિપુલ બારૈયાનો પાંચ વર્ષીય દીકરો સાર્થક બારૈયા તેની માતા સાથે દવાખાને જવા નીકળ્યો માતા ઘરના દરવાજાને તાળું મારી રહી હતી, એ દરમિયાન સાર્થક લીફ્ટ પાસે પહોંચ્યો હતો અને લિફ્ટનો દરવાજો ખોલી અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લિફ્ટના અંદરનો દરવાજો ન ખુલ્યો અને સાર્થક બે દરવાજાની વચ્ચે ફસાઈ ગયો હતો.
લિફ્ટમાંથી બહાર કઢાયો ત્યારે સાર્થક બેહોશ હતો
આ દરમિયાન કોઈ કે લિફ્ટ ઉપરની તરફ બોલાવતા લિફ્ટ ઉપર જતા સાર્થક લિફ્ટમાં ફસાયો હતો. ઘટનાની જાણ થતા જ એપાર્ટમેન્ટમાં અફરા તફરી મચી જવા પામી હતી. એપાર્ટમેન્ટના અન્ય રહીશો પણ દોડી આવ્યા હતા અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તેમજ નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં દોઢ કલાકની જહમત બાદ સાર્થક બારૈયાને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ સમય દરમિયાન સાર્થક બેહોશ થયો હતો. સાર્થકના શ્વાસ બંધ જણાયા હતા. જોકે 108 એમ્બ્યુલન્સ મારફતે સાર્થક ને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવાના પ્રયાસો થયા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થયું હતું. ફરજ પરના ડોક્ટરે સાર્થકને મૃત જાહેર કર્યો હતો.
માસુમ દીકરાનું મોત નિપજ્યુ છે તે જાણતા જ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ ઘટનાની જાણ થતા એપાર્ટમેન્ટમાં શોકની કાલીમાં ફેલાઈ છે.
લિફ્ટનું મેન્ટેનન્સ ન કરવાનો કરૂણ અંજામ! નવસારીમાં લિફ્ટમાં ફસાઈ જતા 5 વર્ષીય બાળકનું મોત#Gujarat #Navsari #News pic.twitter.com/Ub9eQwaLov
— Zee 24 Kalak (@Zee24Kalak) August 25, 2025
ઘટના મુદ્દે વિજલપોર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે. જોકે લિફ્ટનું મેન્ટેનન્સ વ્યવસ્થિત થયું હતું કે કેમ લિફ્ટનું સેન્સર યોગ્ય રીતે કામ કરતું હતું કે કેમ આ તમામ પ્રશ્નો ઊભા થયા છે. જુના એપાર્ટમેન્ટોમાં લિફ્ટનું મેન્ટેનન્સ જાળવવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. સાર્થક બારૈયાના મોતની ઘટના એપાર્ટમેન્ટમાં રહેતા વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો બની છે. કારણ બાળકો ઘણીવાર રમતા રમતા લિફ્ટ પાસે પહોંચે છે અથવા ઘણીવાર રમતી વખતે પણ લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે.
જુના એપાર્ટમેન્ટની લિફ્ટમાં બનતી અકસ્માતની ઘટનાઓને લઈને લાલબત્તી સમાન બનાવો છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. માતાપિતાએ બીજી એ શીખ પણ લેવી કે, નાના બાળકોને લિફ્ટ પાસે એકલા મોકલવા કે એનો ઉપયોગ કરતા અટકાવવા હવે જરૂરી છે.