)
Navsari News: નવસારી જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકેની ફરજ બજાવતા શિક્ષકોને થતી કથિત હેરાનગતિનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં જલાલપોર તાલુકામાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષિકા શીતલબેન પટેલને તેમના દીકરાના લગ્નના દિવસે પણ SIR (સ્વૈચ્છિક માહિતી રજૂઆત)ના ફોર્મ ભરવાની કામગીરી માટે બોલાવવામાં આવ્યા હોવાના સનસનાટીપૂર્ણ આક્ષેપો તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાએ શિક્ષક આલમમાં અને વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે.
દીકરાના લગ્નના દિવસે પણ રજા નહીં!
પરિવાર દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપ મુજબ, BLO શીતલબેન પટેલના ઘરે દીકરાના લગ્નનો શુભ પ્રસંગ હોવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા તેમને ફરજ પર હાજર રહેવા અને SIR ના ફોર્મ જમા કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ અંગે પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, એક માતા માટે તેના દીકરાના લગ્ન જીવનનો સૌથી મોટો પ્રસંગ હોય છે, તેમ છતાં અધિકારીઓએ તેમને આ મહત્ત્વપૂર્ણ દિવસ માટે પણ રજા ન આપીને તેમની માનસિક હેરાનગતિ કરી છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, લગ્નમાં દીકરાની જાન નીકળે એ પહેલાં જ તેમને ફોર્મ જમા કરાવવા માટે જલાલપોર તાલુકા કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ પ્રકારના દબાણ અને વલણથી શિક્ષિકા સતત માનસિક તાણ અનુભવી રહ્યા હોવાનું પણ પરિવારે જણાવ્યું હતું.
કામગીરી પૂર્ણ ન થતાં નોટિસ ફટકારાઈ
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, BLO શીતલબેન દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં ન આવતાં તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. શિક્ષિકાએ અરજીમાં જણાવ્યું હતું કે, ટેકનિકલ કારણો સર તેમજ BLOની અન્ય કામગીરીના કારણે ફોર્મ ભરવાની કામગીરીમાં વિલંબ થયો હતો. જોકે, આ અરજને સંબંધિત અધિકારીઓએ આંખઆડા કાન કરી દીધા હતા અને તેમને હેરાનગતિ કરવાનું ચાલુ રાખ્યું હતું. સતત માનસિક હેરાનગતિના કારણે શિક્ષિકા શીતલબેને પોતાનું દુઃખ ઠાલવ્યું હતું, પરંતુ તેમ છતાં વહીવટી તંત્ર તરફથી કોઈ નક્કર રાહત આપવામાં આવી ન હતી.
તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા
આ સમગ્ર માનસિક તણાવ અને દબાણના કારણે શિક્ષિકા શીતલબેન પટેલની તબિયત અચાનક બગડી હતી. તેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક ધોરણે નવસારીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ BLOની કામગીરી કરતા અન્ય શિક્ષકોની વ્યથાને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે.
અધિકારીઓએ હેરાનગતિના આક્ષેપો નકાર્યા
બીજી તરફ, આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓએ પરિવાર દ્વારા કરવામાં આવેલા હેરાનગતિના આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. અધિકારીઓએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, શિક્ષિકાના પરિવારમાં દીકરાના લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને તેમને રજા આપવામાં આવી હતી. જોકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે શીતલબેને 600 જેટલા ફોર્મ જમા કરાવ્યા ન હોવાથી તેમને માત્ર ફોન કરીને આ કામગીરી પૂર્ણ કરવા માટે જાણ કરવામાં આવી હતી. અધિકારીઓએ દાવો કર્યો છે કે નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે અને કોઈને પણ અંગત રીતે હેરાન કરવામાં આવ્યા નથી.
નવસારીના એરૂ ગામના બુથ નં. 4 ઉપર વિજલપોરના શિક્ષિકા અને BLO શીતલ જગદીશચંદ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમના અંદરમાં અંદાજે 1000 જેટલા મતદારોની યાદી સુધારવાની હતી. પરંતુ તેમની કામગીરી ધીમી રહી હતી. દરમિયાન તેમના પુત્રના લગ્ન હોવાથી ઝોનલ અધિકારી ડૉ. ચિરાગ દેસાઈ દ્વારા તેમને સંપૂર્ણ મદદ કરવામાં આવી હતી. લગ્ન દરમિયાન તેઓ વગર ચિંતા એ કામ કરી શકે એવી વ્યવસ્થા ઝોનલ અધિકારી ડૉ. ચિરાગે કરી આપી હતી. જોકે તેમ છતાં BLO શીતલ પટેલની 50 ટકા કામગીરી બાકી રહી હતી.
દીકરાના લગ્ન બાદ તેમને કામગીરી પૂર્ણ કરવા માટે કહેતા તેમણે અધિકારીઓ દ્વારા પ્રેસર કરવામાં આવતુ હોવાના તેમજ લગ્ન દરમિયાન પણ તેમને નોટિસ આપવાની વાત કરી હેરાનગતિ કર્યા હોવાના આક્ષેપો કર્યા છે. દરમિયાન શીતલ પટેલને ગતરોજ તબિયત બગાડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જોકે સમગ્ર પ્રકરણમાં શીતલબેન કે તેમના પરિવારજનો દ્વારા કંઈ પણ કહેવાનો નન્નો ભણી દેવામાં આવ્યો હતો.
બીજી તરફ સંબંધિત અધિકારીઓએ પણ શીતલબેનને મતદાર યાદી સુધારણાની કામગીરીમાં પૂરતો સહયોગ આપ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી. સાથે જ ન તો તેમને નોટિસ અપાવાની કે ન તેમને પ્રેસર કરવામાં આવ્યુ હોવાની વાત કરી હતી. જોકે જિલ્લા ચૂંટણી અધિકારી રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં હોય, આ મુદ્દે જલાલપોરના RO શિવરાજસિંહ ખુમાણે પણ કેમેરા સામે બોલવાની ના પાડી હતી. ઉલ્લેખનિય છે કે, સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ બાદ જ ખરી હકીકત સામે આવી શકે એમ છે