)
BJP Gujarat Mandate : ગુજરાતમાં ડેરની ચૂંટણીમાં હવે ભાજપની મેન્ટેડ પ્રથા નવા ખેલ ખેલી રહી છે. ભરૂચની દૂધધારા ડેરી બાદ હવે બનાસ ડેરીમાં મેન્ડેટને લઈને નવું રાજકારણ જોવા મળ્યું છે. ભાજપમાં મેન્ટેડ હવે અનેક નેતાઓ માટે ગળામાં ફસાયેલું હાડકું બન્યું છે. આ મેન્ટેડ હવે પક્ષમાં નવા રાજકીય સમીકરણો રચી રહ્યું છે. તો સાથે જ અહીં ગુજરાત ભાજપમાં નવી પોલિટિકલ ગેમ જોવા મળી રહી છે. બનાસ ડેરીમાં ભાજપે આપેલ મેન્ડેટમાં અનેક ચાલુ ડિરેક્ટરોના પત્તા કાપવામાં આવ્યા છે.
એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્વની સહકારી સંસ્થા બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ રહી છે. આગામી 10 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. બનાસ ડેરીની ચૂંટણીમાં 13 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. બાકીની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ કર્યા જાહેર
ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડીઓમાં ભાજપે મેન્ડેટની યાદી જાહેર કરી છે. ભાજપે છેલ્લી ઘડીએ બનાસ ડેરીની ચૂંટણીમાં મેન્ટેડ જાહેર કર્યા છે. જેમાં અનેક દિગ્ગજોના પત્તા કપાયા છે. પાલનપુર બેઠક પર ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીનું પત્તુ કાપી વર્તમાન ડિરેક્ટર ભરત પટેલને મેન્ડેટ આપ્યું છે. વડગામ બેઠક પરથી વર્તમાન ડિરેકટર દિનેશ ભટોળનું પત્તુ કાપી ફ્લજી ચૌધરીનું મેન્ડેટ આપ્યું. તો દાંતા બેઠક પર વર્તમાન ડિરેકટર દિલીપસિંહ બારડનું પત્તુ કાપી અમરતજી પરમારનું મેન્ડેટ આપવામાં આવ્યું છે.
બીજી તરફ, દાંતીવાડા બેઠક પર ભાજપ આગેવાન વિનોદ ભૂતડીયા સામે વર્તમાન ડિરેકટર પી જે ચૌધરીને મેન્ડેટ અપાયું. ધાનેરા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ડિરેકટર જે કે પટેલનું મેન્ડેટ આપ્યું. તો કાંકરેજ બેઠક પરથી વર્તમાન ડિરેકટર અણદા પટેલનું પત્તુ કાપી બાબુ ચૌધરીને ભાજપે મેન્ડેટ આપ્યું.
વડગામ અને દાંતીવાડા બેઠક બિનહરીફ થઈ
ભાજપમાંથી મેન્ટેડ આવતા જ બે બેઠકો બિનહરીફ જાહેર થઈ. બનાસ ડેરીની ચૂંટણીમાં વડગામ બેઠક બિન હરીફ જાહેર થઈ છે. ભાજપએ ફલજી ચૌધરીનું મેન્ડેડ આપતાં અન્ય 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. બનાસ ડેરી ચૂંટણીમાં દાંતીવડા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ભાજપના પી જે ચૌધરીના મેન્ડેડ સામે હરીફ ઉમેદવાર વિનોદ ભૂતડીયાએ ફોર્મ પરત ખેચ્યું છે. દાંતીવાડા બેઠક પરથી વર્તમાન ડિરેકટર પી જે ચૌધરી બિન હરીફ થયા. આમ, બનાસ ડેરીની ચૂંટણીમાં અત્યાર સુધી 12 બેઠક બિન હરીફ થઈ છે.
માં કાંકરેજ બેઠક પણ બિનહરીફ, અણદા પટેલે ફોર્મ ખેંચ્યું
કાંકરેજ બેઠક ઉપરથી અણદાભાઈ પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચતા કાંકરેજ બેઠક પણ બિનહરીફ જાહેર થઈ છે. કાંકરેજ બેઠક ઉપરથી બાબુભાઈ ચૌધરી બિનહરીફ જાહેર થયા છે. આ વિશે અણદા પટેલે કહ્યું કે, પાર્ટીએ મને મેન્ડેડ ન આપતા મેં મારું ફોર્મ પરત ખેંચ્યું છે. હું ભાજપનો કાર્યકર્તા છું અને કાર્યકર્તા બનીને કામ કરતો રહીશ. આમ, બનાસ ડેરીની ચૂંટણીમાં અત્યાર સુધી 13 બેઠકો બિનહરીફ થઈ છે.
હરી ચૌધરી સામે ભરત પટેલે વાંધો ઉઠાવ્યો હતો
ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠક પરથી બનાસ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવનાર પૂર્વ કેન્દ્રિય મંત્રી હરી ચૌધરીના ઉમેદવારી ફોર્મ સામે તેમના હરીફ ઉમેદવાર ભરત પટેલે વાંધો રજૂ કર્યો હતો. ભરત ચૌધરીએ ચૂંટણી અધિકારીને લેખિતમાં વાંધો રજૂ કરતા રાજકારણ ગરમાયું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ પોતાની મંડળીનો ઠરાવ નિયમો અનુસાર ન કર્યો હોવાનો વાંધો રજૂ કર્યો હતો. પરંતુ ગણતરીના કલાકો બાદ આ વાંધો ભરત પટેલે પરત ખેંચી લીધો છે. જોકે વાંધો પરત ખેંચવા મામલે ભાજપે ભરત પટેલને પ્રેશર કર્યું હોવાનું લોકમુકે ચર્ચાઈ રહ્યું હતું. પોતાનો વાંધો પરત ખેંચ્યા બાદ ભરત પટેલે જવાબ આપવાનો ટાળ્યો હતો.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરી એ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે. તેની સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી. બનાસ ડેરીની સ્થાપનામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નો મુખ્ય ફાળો હતો. બનાસ ડેરી અમૂલ, સાગર અને બનાસ નામો હેઠળ ઉત્પાદનો કરે છે. જેમાં અમુલ દૂધ, અમુલ માખણ, અમુલ ઘી, સાગર ઘી, અમુલ્યા પાવડર, સાગર ચા અને કોફી વ્હાઇટનર, અમુલ શક્તિ પાવડર, અમુલ આઇસક્રીમ, પેંડા, ચા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આણંદ દ્વારા બજારમાં મૂકાય છે. બનાસ ડેરી ૧.૮ લાખ જેટલાં શેરધારકો ધરાવે છે. જે ૧૨૦૦ જેટલાં ગામોમાં સહકારી દૂધ મંડળીઓમાં વ્યાપેલા છે. હાલમાં બનાસ ડેરીના ચેરમેર તરીકે રાજ્યના પૂર્વ મંત્રી અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી કાર્યરત છે. જેઓના વિઝનરી નેતૃત્વના કારણે હાલમાં બનાસ ડેરીનો ખૂબ જ ઝડપી વિકાસ થઇ રહ્યો છે અને એકથી એક પ્રોજેક્ટ પણ સાકાર થઇને પશુપાલકો અને તેના શેરધારકોને વ્યાપક ફાયદો કરાવી રહ્યા છે.