પ્રવિણ તોગડિયા મામલામાં થયો નવો ખુલાસો, કઈ રીતે પહોંચ્યા કોતરપુર?

વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાના ગુમ થયેલા મામલે નવો ખુલાસો થયો છે

Updated By: Jan 19, 2018, 12:06 PM IST
પ્રવિણ તોગડિયા મામલામાં થયો નવો ખુલાસો, કઈ રીતે પહોંચ્યા કોતરપુર?

અમદાવાદ : વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાના ગુમ થયેલા મામલે નવો ખુલાસો થયો છે. હાલમાં તેમના નવા સીસીટીવી ફૂટેજ આવ્યા છે જેમાં તેઓ ફોર્ચ્યુનરમાં તેમના મિત્ર ઘનશ્યામભાઈના ઘરેથી નીકળતા દેખાય છે. આ ફોર્ચ્યુનરમાં ઘનશ્યાભાઈ પણ સાથે હોવાનો દાવો કરવામાં આવે છે. આ ફોર્ચ્યુનરમાંથી જ ઘનશ્યામભાઈએ 108ને ફોન કર્યો હોવાની વાત જાણવા મળી છે જેના પગલે પ્રવિણ તોગડિયાની દાનત વિશે પ્રશ્નો ઉભા થયા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રવિણ તોગડિયા 11-31 વાગ્યે થલતેજ ખાતેઘનશ્યામભાઈ ચરણદાસના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આખો દિવસ રોકાયા બાદ સાંજે 7-52 વાગ્યે ઘનશ્યામભાઇ ચરણદાસ પોતાના ડ્રાઇવર નિકુલ રબારીને બોલાવી પોતાની કાર મારફતે પ્રવિણભાઇને લઇને નીકળી સરદારનગર ખાતે 8-33 વાગ્યે પહોંચ્યા હતા. ઘનશ્યામભાઈ અહીં પ્રવિણભાઇ સાથે ઉતરી જઇ પોતાના ડ્રાઇવરના મોબાઇલથી 108માં ફોન કરી એક અજાણ્યો માણસ બીમાર હોવાનું જણાવ્યું હતું. આ પછી ઘનશ્યામભાઇ ડ્રાઇવરને ગાડી સાથે રવાના કરી 108 આવવાની રાહ જોતા ઉભા રહ્યા હતા. 108ના ટેકનિશિયનના જણાવ્યા પ્રમાણે ફોન કરનાર ભાઈએ પોતાનું નામ ઘનશ્યામ ચરણદાસ હોવાનું જણાવી બીમાર પ્રવિણભાઈને કોઇપણ જાતની સારવાર આપ્યા વગર સીધા ચંદ્રમણિ હોસ્પિટલ લઇ જવાનું જણાવ્યું હતું.

રિક્ષામાં રવાના
પોલીસે આપેલી માહિતી પ્રમાણે દસ વર્ષ જૂનાં જાહેરનામાના ભંગ માટેના 188 હેઠળના ગુના માટે પ્રવિણ તોગડિયા હાજર નહીં થતાં હોવાથી તેમની સામે વોરંટ નીકળ્યું હતું.આ વોરંટ લઈને રાજસ્થાન પોલીસ ગંગાપુરથી નીકળી હતી.  વોરંટ લઈને આવેલી રાજસ્થાન પોલીસ સવારે 10.45 વાગ્યે સોલા પોલીસ સ્ટેશને પહોંચી હતી. બીજી તરફ આ જ સમયે પ્રવિણ તોગડિયા તેમના જાપ્તાનાં કોન્સ્ટેબલ વિક્રમસિંહને અંગત કામે જઉ છું એમ કહીને એક દાઢીવાળા કાર્યકરની સાથે રિક્ષામાં બેસીને ભેદી રીતે નીકળી ગયા હતા. આ સમયે નહેરુનગર સર્કલ પાસેથી ડો. તોગડિયાનો ફોન પણ બંધ થઈ ગયો હતો. 

પ્રવિણ તોગડિયાના આરોપ
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કર્યો કે રાજસ્થાનથી મારા એન્કાઉન્ટર માટે પોલીસકર્મીઓને મોકલવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમનો અવાજ દબાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. આ સાથે જ તેમણે સેન્ટ્રલ આઈબી ઉપર પણ લોકોને ધમકાવવાના આરોપ લગાવ્યાં. અત્રે જણાવવાનું કે પ્રવિણ તોગડિયા સોમવારે બેભાન અવસ્થામાં અમદાવાદના કોતરપુર વર્ક્સ પાસેથી મળી આવ્યાં હતાં. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તોગડિયા સવારથી ગુમ હતાં. દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદના નિવેદન મુજબ શરીરમાં શુગરનું સ્તર ઘટી જવાના કારણે તોગડિયા શાહીબાગના એક પાર્કમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં અને તેમને ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.