)
વિશાલા-નારોલ વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવો સિક્સ લેન બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલનો શાસ્ત્રી બ્રિજ જર્જરિત થતાં જરૂરિયાત ઊભી થઈ છે. જેના કારણે વિશાલા-નારોલ વચ્ચે નવો સિક્સ લેનનો ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બ્રિજ 600 મીટર લાંબો હશે એનું તેનું કામ 2 વર્ષમાં પૂરું થશે. અહીં પસાર થતાં રોજના 1.04 લાખ વાહનોને ફાયદો થશે.
ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
હાલ પૂર્વના વિસ્તારોમાં રહેતા લોકોને પશ્ચિમ વિસ્તારમાં આવવું હોય તો આ હાઈવે મહત્વનો માર્ગ ગણાય છે. પરંતુ આ હાઈવે ચોવીસ કલાક સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે એકવાર જો વિશાલા-નારોલ હાઈવે બની જશે, તેના બાદ પૂર્વ કે પશ્ચિમ વિસ્તારના લોકો સડસડાટ ગાડી દોડાવીને પોતાના ગંતવ્ય સુધી પહોંચી જશે.
હાલમાં બ્રિજના પિલર માટે ખોદકામની કામગીરી શરૂ કરી દેવાઈ છે. હાલમાં જે બ્રિજ ચાલુ છે તે 55 વર્ષ જૂનો છે. હાલનો હયાત બ્રિજ ફોર લેનનો છે જેને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે. હાલમાં પિલરનું સ્ટ્રક્ચર બનાવી ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારબાદ પિલર ઊભા કરવામાં આવશે.
નેશનલ હાઈવે ઓથોરિટી નવા બ્રિજ પર નોઈઝ બેરિયર અને રિફ્લેક્ટિવ પોલ્સ લગાવશે. જેથી સામેથી આવનારા વાહનચાલકોને રાતના સમયે પ્રકાશના કારણે અકસ્માતની સમસસ્યા ન સર્જાય. બીજી બાજુ વિશાલાથી નારોલ તરફ જતાં ટુ-લેનને સર્વિસ રોડ પણ બનાવાશે જેના પરથી નાના વાહનો પસાર થઈ શકશે.
વિશાલાથી સરખેજ ફ્લાયઓવર 6 લેન બનાવાશે
ઉલ્લેખનીય છે કે, નારોલ જંક્શનથી વિશાલા-સરખેજ જંકશન સુધી nhai દ્વારા 1200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા એલિવેટેડ ફલાયઓવરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરાયું હતું. હવે ટ્રાફિકથી ધમધમતો વિશાલા નારોલ બ્રિજ 6 લેનનો બનશે.