સાચવીને વાપરશો રોકડા, સરકારે પણ સ્વીકાર્યું કે બેંકોમાં નથી પૈસા

ગુજરાતમાં છેલ્લા સાત દિવસથી રોકડા પૈસાની ભારે અછત છે અને મોટાભાગના એટીએમ ખાલીખમ છે

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 17, 2018, 05:27 PM IST
સાચવીને વાપરશો રોકડા, સરકારે પણ સ્વીકાર્યું કે બેંકોમાં નથી પૈસા

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા સાત દિવસથી રોકડા પૈસાની ભારે અછત છે અને મોટાભાગના એટીએમ ખાલીખમ છે. આ સંજોગોમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્વીકાર્યું છે કે રોકડાની અછત પ્રવર્તે છે અને આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે ''હાલ રાજ્યમાં નાણાંની અછત છે. આરબીઆઇના રિજિયોનલ મેનેજરને આ વાતની જાણ કરવામાં આવી છે. આ મામલે મુખ્ય સચિવ સાથે પણ વાત કરવામાં આવી છે અને વહેલી તકે નાણાં ઉપલબ્ધ કરાવવા માટે જણાવવામાં આ્વ્યું છે. આ હાલાકીને કારણે ખેડૂતોની તકલીફ વધી છે. આ સંજોગોમાં રોકડ રકમ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. ગુજરાતમાં સાત દિવસથી રોકડ પૈસાની અછત છે અને એટીએમ ખાલી થઈ ગયા છે. જોકે આ સમસ્યાનો બે દિવસમાં ઉકેલ લાવી દેવામાં આવશે.''

પ્રવિણ તોગડિયાના અનિશ્ચિતકાલીન અનશનનો પ્રારંભ, સાધુ-સંતોનો મોટી સંખ્યામાં જમાવડો

રાજ્યના અલગઅલગ શહેરોમાં એટીએમમાં રોકડની અછતની ફરીયાદો મળી છે ત્યારે અમદાવાદના મોટાભાગના એટીએમમાં પણ રોકડ ન હોવાની મુશ્કેલી જોવા મળી છે. આ ઉપરાંત કેટલાક એટીએમ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. શહેરના મોટાભાગના એટીએમમાં નાણાં ન મળતા હોબાળો મચી ગયો હતો.

નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું- ક્યાં ગયા એટીએમના પૈસા?? 

અમદાવાદમાં એટીએમમાંથી નાણાં ન મળતા લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. છેલ્લા 2 દિવસથી શહેરમાં એટીએમની આ હાલત છે. હાલમાં એટીએમમાં 500 અને 2000ની નોટોની અછત જોવા મળી છે. આ પહેલાં આવી સમસ્યા નોટબંધી વખતે જોવા મળી હતી. નોટબંધી પછી મહિનાઓ સુધી એટીએમની હાલત આવી જ હતી જેના કારણે નાગરિકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરીથી 500 અને 2000 રૂ.ની નોટની તંગીના પગલે નાગરિકોને એટીએમની પાછળ લાઇન લગાવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.