)
Amreli News : વડાપ્રધાન મોદી એમને ટ્વિટર (હવે X) પર ફોલો કરે છે એવો બહોળો પ્રચાર થવાથી મહત્વપૂર્ણ મનાતાં અમરેલીના ડો. ભરત કાનાબાર એક સમયે જિલ્લા પ્રમુખ સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે, પરંતુ હવે રાજકારણમાં એમની કશી સક્રિયતા નથી. પરંતુ નિયમિત રીતે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતાં ડો. કાનાબાર ક્યારેક પોતાની જ પાર્ટીના નેતાઓ અસહજ બની જાય એવી ટિપ્પણી કરી નાંખે છે. હાલમાં જ તેમણે પોતાના એક મિત્રના કિસ્સાના નામે એવી ફરિયાદ કરી કે અમરેલીમાં રોજગારી અને પાયાની સુવિધાના અભાવને લીધે કોઈ પોતાની દીકરીને અમરેલીમાં પરણાવવા રાજી નથી.
ડો.કાનાબારની ટ્વિટ
મારા એક સંબંધી મને મળવા આવ્યા અને મારી દુકાન વેચવાની છે અને મારે રાજકોટ શિફ્ટ થવું છે. ત્યારે મેં તેમને અમરેલી છોડવાનું કારણ પૂછ્યું તેનું કારણ જાણી મને ખૂબ આશ્ચર્ય થયું. મારા દીકરાનો સંબંધ થઈ નથી રહ્યો અને અમરેલી નું નામ પડે એટલે છોકરી વાળા સીધી ના પાડી દે છે. ઘડીભર તો મને થયું કે અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે કે શું. બીજા મિત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે માત્ર અમારી જ્ઞાતિમાં જ નહીં પણ અમરેલીમાં રહેતા હોવાને કારણે ઘણી બધી જ્ઞાતિમાં અમરેલીમાં દીકરીઓ વાળા સંબંધ કરવા તૈયાર થતા નથી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા ના અમરેલીની આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા?
નેતાઓ દિગ્ગજ છતાં વિકાસથી વંચિત
ડો. કાનાબારે કરેલી ફરિયાદ જો સાચી હોય તો તેમાં આંગળી તેમનાં જ પક્ષના નેતાઓ ભણી ચિંધવી પડે. કારણ કે અમરેલી પૂર્વ મંત્રી અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, વરિષ્ઠ સાંસદ પરશોતમ રૂપાલા અને હાલ રાજ્ય સરકારમાં મંત્રીપદ ભોગવતા કૌશિક વેકરિયાનો ગૃહ જિલ્લો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા પરેશ ધાનાણી પણ અમરેલીના છે. રાજ્યના રાજકારણમાં મોટું કદ ધરાવતા અનેક નેતાઓ હોવા છતાં અમરેલી મોટા ઉદ્યોગો અને પાયાની સુવિધાથી વંચિત હોય તો એ જવાબદારી કોની એ કહેવાની જરૂર નથી.
અમરેલીના પછાતપણાંની વાત ખોટી તો નથી
પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનું વતન હોવાથી, એ સમયે જિલ્લા મથક માટેનાં માપદંડોમાં અયોગ્ય હોવા છતાં અમરેલી જિલ્લાની રચના થઈ હતી. જોકે એ પછી કદી ય અમરેલીને મોટા ઉદ્યોગો નથી. મોટાભાગે વરસાદ આધારિત ખેતી પર નભતા જિલ્લામાં ખેતી ય નબળી હોવાથી સુરત તરફ સ્થળાંતર વધ્યું છે. સાવરકુંડલા અને રાજુલા જેવા તાલુકાઓ વિકાસની દોડમાં આગળ નીકળી ગયા અને અમરેલી ત્યાંનું ત્યાં જ છે. માઈગ્રેશન રેટ ઊંચો છે, તેની સામે ગામડામાંથી અમરેલી વસવા આવનારાંનું પ્રમાણ ઓછું છે. એટલે વસ્તી ઘટતી જાય છે. તેને લીધે વેપાર-ધંધામાં ય ઘસારો જોવા મળે છે. એટલે ડૉ. કાનાબારે રજૂ કરેલી વ્યથામાં વજુદ તો છે જ.
ડો. કાનાબાર અને વિવાદને સીધો સંબંધ
ડો. ભરત કાનાબારને હવે સ્થાનિક રાજકારણમાં ખાસ કશું મહત્વ મળતું નથી. સંગઠનમાં પણ હવે નવી પેઢી સ્થાનિક સ્તરે મોખરે આવી ચૂકી છે અને વિવિધ જવાબદારીઓ સંભાળે છે. આથી સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, ડો. કાનાબાર પોતાનું મહત્વ દર્શાવવા માટે છાશવારે વિવાદાસ્પદ વિધાનો કરીને લાઈમલાઈટમાં રહેવા પ્રયત્નશીલ હોય છે. અલબત્ત, અમરેલીના મોટા નેતાઓ તેમનાં આવા નિવેદનો પ્રત્યે આંખ આડા કાન કરીને ડો. કાનાબારને કટ ટૂ સાઈઝ કરવામાં પાવરધા છે. એટલે અગાઉની માફક તેમની હાલની ટિપ્પણી પણ, સાચી હોવા છતાં, નિરર્થક બની રહે તેવી પૂરી શક્યતા છે.