અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ રાજ્યમાં લાખો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. અડધો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે પરંતુ હજુ રાજ્યમાં પૂરતો વરસાદ થયો નથી. ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન હજુ વરસાદની ઘટ છે. સમગ્ર રાજ્યમાં જોઈએ તો અત્યાર સુધી હજુ 46 ટકા વરસાદની ઘટ છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે. અનેક ખેડૂતો ચિંતિત છે અને ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. આ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે નિરાશાજનક સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 5 દિવસ વરસાદની સંભાવના નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના ડાયરેક્ટરે આપી માહિતી
હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હાલના સમયમાં રાજ્યમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે, ભારે વરસાદની સિસ્ટમ સક્રિય નથી. તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરમાં પણ વરસાદની સંભાવના નથી. અત્યાર સુધી હવાનું દબાણ ઉત્તર તરફ ફંટાતુ રહ્યું છે. 


આ પણ વાંચોઃ શિક્ષક સજ્જતા સર્વેક્ષણના વિરોધમાં શિક્ષકો, શૈક્ષીક મહાસંઘે કહ્યું- 95 ટકા શિક્ષકો કરશે બહિષ્કાર


હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટરે કહ્યું કે, 24 કલાક દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા ભારે ઝાપટા પડી શકે છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ સુધી અડધુ ચોમાસુ જતું રહ્યું છે પરંતુ વરસાદની ઘટ છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવેતર કરી લીધું હતું પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો પાક બચાવવા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. તો બીજીતરફ સરકારે ખેડૂતોને પાણી આપવાની પણ જાહેરાત કરી છે. 


ગુજરાતમાં પાણીની સ્થિતિ ખરાબ
આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે રાજ્યમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. નર્મદા ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો છે. તો સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40 ટકા જેટલો પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60 ટકા જેટલો પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો 17 ડેમોમાં 42 ટકા પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં અત્યાર સુધી 46 ટકા વરસાદની ઘટ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube