)
Gambhira Bridge News: વર્ષો વર્ષ દુર્ઘટનાઓ બનતી રહે છે, લોકો જીવ ગુમાવતા રહે છે, પરિવારજનો કલ્પાંત કરતા રહે છે, ન્યાય માટે વલખાં મારતા રહે છે પણ પરિણામ કાંઈ જ નથી આવતું. તપાનની વાતો થાય છે અને એટલામાં તો બીજી દુર્ઘટના બની જાય છે. ગુજરાતમાં આજે ફરી એકવાર પુલ તૂટી પડવાની ગંભીર દુર્ઘટના સામે આવી છે. મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો.
આ પુલ 1986માં બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં હતો. વારંવાર રજૂઆત કરવા છતાં આ પુલની યોગ્ય મરામત કરવામાં આવી નહોતી. જેના પરિણામે આજે આ દુર્ઘટના સર્જાઈ અને અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે અને અનેક લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. સાથે જ મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.
આ ઘટના બાદ એક વાત સાબિત થઈ છે કે ગુજરાતમાં પુલ તૂટવો એ સામાન્ય બની ગયું છે. ગુજરાતમાં અન્ય જગ્યાઓએ પણ આવી જ ગંભીર દુર્ઘટનાઓ બની ચુકી છે. છેલ્લા કેટલાંક વર્ષમાં પુલ તૂટી પડવાની પંદરથી વધુ ઘટનાઓ બની છે.
વર્ષ 2023માં પાલનપુરમાં નિર્માણધીન પુલ તૂટી પડતા ત્રણ લોકોના મોત થયા હતા.
વર્ષ 2022માં રાજકોટમાં માધાપર ચોકડી પુલ તૂટી પડ્યો હતો
વર્ષ 2021માં અમદાવાદમાં નિર્માણધીન શાંતિપુરા મુમતપુરા બ્રિજ પર પણ આવી જ દુર્ઘટના બની હતી.
મોરબીમાં બનેલી દુર્ઘટનાને આજ સુધી કોઈ ભુલાવી શક્યું નથી. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135ના મોત થયા હતા.
વર્ષ 2023માં વઢવાણના વસ્તડી ગામમાં પૂલ તૂટી પડ્યો
જૂનાગઢના ધાંધુસરમાં જર્જરિત પુલ તૂટી પડ્યો.
2020માં રાજકોટના આજીડેમ ચોકડી પાસે પુલ તૂટી પડ્યો હતો.
2019માં રાજકોટના સટોડક ગામ પુલ તૂટી પડ્યો હતો
સુરતમાં પીપોક ફ્લાયઓવર દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.
આ સિવાય લુણાવાડાના હાંડોડ ગામનો પુલ, ભરૂચમાં નાંદેલાવ પુલ તૂટી પડ્યો, વડોદરાના સિંઘરોટ પાસે પણ પૂલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી. તો મહેસાણામાં ઊંઝા હાઈવે નજીક પણ આવી જ દુર્ઘટના બની હતી.
આ બધાં બનાવો એ સાબિત કરે છે કે પુલના નિર્માણ અને જાળવણીમાં ઘોર બેદરકારી રાખવામાં આવી રહી છે. ભ્રષ્ટાચારના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે છે. દુઃખની વાત એ છે કે આવા બનાવ બાદ પણ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જો ખરેખર જવાબદાર અધિકારીઓ અને સંસ્થાઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવે તો આવી દાયકાઓ જૂની પીડાઓ અને પ્રજાના જીવનું જોખમ અટકાવી શકાય.