ગોંડલમાં હવે પાટીદાર VS કોણ? ગોંડલ 'ટોક ઓફ ટાઉન' બનતા રાજકારણ ગરમાયું
Gondal News: રાજકોટના ગોંડલમાં પાટીદાર યુવાનને માર મરાતા સમાજમાં રોષ જોવા મળ્યો છે. યુવાનને માર મારતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે હવે ગોંડલ ક્રાઈમનું કેન્દ્ર બન્યું છે. ફરી એકવાર ગોંડલ ફોકસમાં આવ્યું છે.
Trending Photos
Gondal News: રાજકોટના ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાને કારણે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. પાટીદાર સમાજના અનેક દિગ્ગજ નેતાઓ ગોંડલ પહોંચી રહ્યા છે અને આરોપીઓનું સરઘસ કાઢવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. ત્યારે શું છે સમગ્ર વિવાદ? કેમ આક્રોશિત છે પાટીદાર સમાજ?
ગોંડલ મામલે પાટીદારોમાં રોષ કેમ?
પાટીદાર સમાજના એક યુવકને લાકડીથી કેટલાક યુવાનોએ માર માર્યો હતો. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડાયો છે. બીજી તરફ માર મારનારા આરોપીને પોલીસે ઝડપી લીધા છે. જેની ધરપકડ કરાઈ તેમાં મયુરસિંહ ઝાલા, દર્શનસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. જ્યારે મયુરસિંહ સોલંકી નામનો આરોપી ફરાર થઈ ગયો છે. આ જ ઘટનાને કારણે પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓ ગોંડલ પહોંચી રહ્યા છે. જયેશ રાદડિયા અને ભરત બોઘરાએ પણ ગોંડલ પહોંચીને ઘટનાને દુઃખદ ગણાવી છે.
કોણે કહ્યું, ગોંડલ બન્યું છે મિર્ઝાપુર?
તો છેલ્લા કેટલાક સમયથી ગોંડલ સતત ચર્ચામાં રહે છે. હજુ તો રાજકુમાર જાટના મોત મામલે મૃતકના પિતાએ CBI તપાસની માગ કરી છે. આ વિવાદ સમ્યો નથી. ત્યાં ગોંડલમાં પાટીદાર યુવાનને માર મારવાનો કિસ્સો સામે આવતાં જ પાટીદાર સમાજ લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યો છે. ગોંડલમાં બેઠકો પર બેઠકો થઈ રહી છે, ગોંડલ બંધનું એલાન અપાયું છે. પાટીદાર આગેવાનો ગોંડલ મામલે આકરા તેવર બતાવી રહ્યા છે. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, ગોંડલ સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર છે. સાથે જ ગુજરાતમાં ગુંડાઓની જે યાદી તૈયાર કરાઈ છે તેના પર પણ સવાલો ઉઠાવ્યા છે.
વરુણ પટેલે શું કહ્યું?
કેટલાક પાટીદાર આગેવાનોએ તો ગોંડલના પાટીદાર સમાજના જ લોકો સામે સવાલો ઉઠાવ્યા છે. ધર્મેશ બુટાણીએ કહ્યું કે, અમારા પાટીદાર સમાજમાં 5 એવા આગેવાનો છે જે માત્ર સમાજનો ઉપયોગ કરે છે, આ લોકો સમાજને ગુમરાહનું કામ કરે છે. ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજની 80 ટકા વસતી છે છતાં પણ પાટીદારને ટિકિટ નથી મળતી. તો PAASના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં છે, તેવા વરુણ પટેલે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતાં કહ્યું કે, પટેલ વોટ આપે, નોટ આપે અને પછી માર પણ ખાય, પોલીસ માત્ર એક જ ગ્રુપનું આધિપત્ય જણવાઈ રહે તેના માટે પ્રવક્તા બને. ગુજરાતના અમુક વિસ્તારમાં અલગ પ્રકારની લોકશાહી કેમ?
દિનેશ બાંભણિયાએ પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માગ કરી છે. બીજી તરફ રાજકુમાર જાટ મામલે ગણેશ જાડેજાના સમર્થનમાં કેટલાક પોસ્ટરો ફરતાં થયા છે. જેમાં આઈ સપોર્ટ ગણેશ ગોંડલ લખવામાં આવ્યું છે. હાલ ગોંડલ ટોક ઓફ ટાઉન બન્યું છે. ઘટનામાં સત્ય શું છે એ તપાસનો વિષય છે પરંતુ હાલ ગોંડલ પર રાજનીતિ પુરજોશમાં થઈ રહી છે. જોવાનું રહ્યું કે આ લડાઈ ટિકિટની છે કે અન્ય? જોવું રહ્યું કે આગળ શું થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે