માતા-પિતાના મોત પછી સ્વજનોએ માર્યો ધક્કો પણ અનાથ ભાઈ-બહેનને મળ્યો પોતાનો NRI 'પરિવાર'

હાલમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ગામે દિલને ખુશ કરી દે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

Updated By: Jan 11, 2018, 05:29 PM IST
માતા-પિતાના મોત પછી સ્વજનોએ માર્યો ધક્કો પણ અનાથ ભાઈ-બહેનને મળ્યો પોતાનો NRI 'પરિવાર'

નવસારી : હાલમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ગામે દિલને ખુશ કરી દે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના ચિલ્ડ્રન હોમમાં રહેતા સગા ભાઈ-બહેનને મૂળ ભારતીય પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં વસવાટ કરતા સોમાંચી દંપત્તિએ દત્તક લીધા છે. ચિલ્ડ્રન હોમમાં છેલ્લા પંદર માસથી રહેતા સુનીલ(ઉ.વ.4) અને કિંજલ(ઉ.વ.6) વલસાડ તાલુકાના ડુંગરી ગામની હદમાંથી મળી આવ્યા હતા. 

સ્વજનોએ તરછોડ્યા
આ બાળકો મળી આવ્યા પછી તપાસ કરતા તેમના માતા-પિતા હયાત ન હોવાની માહિતી મળી હતી. આ સંજોગોમાં તેમના પરિવારના સ્વજનોએ ભાઈ-બહેનને સ્વિકારવાની ના પાડતા છેવડે ચિલ્ડ્રન હોમનાં સંચાલકો દ્વારા આ બંન્ને ભાઈ-બહેનને શિક્ષણની સુવિધા સાથે રાખવામાં આવ્યા હતા. દરમ્યાન થોડા સમય બાદ ચીખલી ખુંધ ચિલ્ડ્રન હોમનાં સંચાલકોએ આ બંન્ને ભાઈ-બહેનના ફોટા સરકારી એડોપ્શન એજન્સી CARA ઉપર મુકાતાં મૂળ ભારતીય એવા જ્યોતિ અરવિંદ સોમાંચી અને પતિ અરવિંદ સોમાંચીએ વેબસાઈટનાં આધારે દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

NRI પરિવાર
ચિલ્ડ્રન હોમનાં સંચાલકોએ આ બંન્ને ભાઈ-બહેનને કાયદાકીય વિધી દ્વારા સોમાંચી દંપત્તીને દત્તક આપ્યાં હતાં. અમેરિકાનાં કેલિફોર્નીયા ખાતે વસવાટ કરતા અને બાયોટેક કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે નોકરી કરતા સોમાંચી દંપત્તિએ આ બંન્ને ભાઈ-બહેનને દત્તક લઈને પરિપૂર્ણ પરિવારની લાગણી અનુભવી હતી. સામા પક્ષે બાળકોને પણ પોતાનો પરિવાર પરત મળ્યો હતો.