મે માસમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવશે, અંબાલાલે તારીખ સાથે કરી આગાહી
Ambalal Ni Agahi : રાજ્યમાં બે દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી... તો 15થી 19 તારીખ દરમિયાન પણ વરસાદ પડે તેવી શક્યતા... અંબાલાલ પટેલે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી..
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : રવિવારે રાજ્યના 8 જિલ્લામાં ધોધમાર વરસાદ રહ્યો. પરંતું આ તો ટ્રેલર છે. મે મહિનામાં હજી પણ કમોસમી વરસાદ ત્રાટકવાનો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
મે મહિનામાં ફરી આવશે વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી કહી છે કે, 12 અને 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો ત્રણ દિવસના બ્રેક બાદ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી વરસાદ આવી શકે છે. કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવવાની શક્યતા છે. વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે.
ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસું - અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું કે, 25 મેથી 4 જુન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 28 મેથી 4 જુન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. 13 મેથી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા છે. તેના બાદ 28 મેથી 4 જુન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
પહેલો વરસાદ ક્યારે આવશે?
તેમણે કહ્યું કે, ખેડૂતો માટે ચોમાસુ વહેલું આવવાનું રહેશે. ગુજરાતમાં 15 જુનની આસપાસ પહેલો વરસાદ આવશે. 25 જુનથી 5 જુલાઈ વચ્ચે વરસાદ આવશે. તેના બાદ સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ થશે.
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, 40 થી 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ થશે. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધશે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આમ, ગુજરાતમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી છે. તારીખ 12 અને 13 મેના રોજ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. વગર સીઝનના વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બાગાયતી પાક પર નભતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.
રાજ્યમાં વગર સિઝનના વરસાદે વધારી મુશ્કેલી
છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો. જુનાગઢ જિલ્લામાં પણ વરસ્યો ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો. માળિયાહાટીના, જામજોધપુર, માણવદરમાં દોઢથી પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો. અમરેલીના ધારી, સાબરકાંઠાના પોશિનામાં સવા ઈંચ વરસાદ નોંધાયો. કડી, લાલપુર, ઈડરમાં પણ નોંધપાત્ર વરસાદ રહ્યો.
કમોસમી વરસાદના કારણે પાકને થયું નુકસાન
ગુજરાતમાં કમોસમી માવઠાને કારણે પાકમાં થયેલા નુકસાનના પ્રાથમિક આંકડા સામે આવ્યા છે. કેરીમાં 50 ટકા તો તલના પાકમાં 40 ટકા નુકસાની થઈ છે. ડાંગર, જુવાર, બાજરીના પાકને પણ મોટાપાયે નુકસાની થઈ છે. પપૈયા અને કેળામાં 15 ટકા નુકસાન થયું છે. રાજ્યમાં કમોસમી વરસાદથી પાક અને બાગાયતી પાકને નુકસાનીના સરકારે પ્રાથમિક અંદાજો મંગાવ્યા છે. સરકારે બાગાયતી પાકોમાં નુકસાની અને કેરીના પાકને પણ નુકસાનીનો અંદાજ મંગાવ્યો છે. SDRF ના નિયમો મુજબ અંદાજોને આધારે સરકાર કામગીરી આગળ વધારશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે