)
Dwarka News : દ્વારકા જન્માષ્ટમી પહેલાં ભક્તોને છેતરવાનો એક નવો કીમિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વેબસાઇટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકોને ઘરે બેઠા 201 રૂપિયા આપીને માખણ ચડાવવાની લાલચ આપવામાં આવી રહી છે. આ પ્રકારની છેતરપિંડી પહેલાં પણ થઈ ચૂકી છે. જેમાં આવી જ વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા 500 રૂપિયા લઈને દર્શન કરાવવાનો દાવો કરવામાં આવતો હતો. આ વાયરલ વીડિયો ફરી એકવાર ભક્તો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ હોવાનું જણાય છે
દ્વારકાધીશના દર્શન માટે ઓનલાઈન ચીટિંગ
આ વિશે દ્વારકાધીશ જગત મંદિરના પૂજારી મુરલી ઠાકરે જણાવ્યું કે, ભક્તોએ આવી છેતરપિંડીથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. દ્વારકાધીશના દર્શન કે પૂજા માટે કોઈ પણ પ્રકારના ઓનલાઇન પૈસા કે શુલ્ક ચૂકવવાની જરૂર હોતી નથી. કોઈપણ અજાણી વેબસાઇટ કે એપ્લિકેશન પર પોતાની અંગત માહિતી કે પૈસા આપતા પહેલાં તેની ખરાઈ કરવી અત્યંત આવશ્યક છે.
દ્વારકા મંદિરમાં લાઈટિંગ કરાયુ
જન્માષ્ટમીનો પર્વ નજીક આવતાં, સમગ્ર દ્વારકામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દ્વારકાધીશનું જગત મંદિર કલાત્મક લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. જેનું સૌંદર્ય દૂરથી જ નજરે પડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરને વિવિધ રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે. જેના કારણે મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું છે. આ અદ્ભુત દ્રશ્ય ભક્તોના હૃદયમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને અનેરો ઉમંગ ભરી રહ્યું છે
આ શણગાર દ્વારકાના વાતાવરણમાં એક દિવ્ય અને આકર્ષક રોનક ઉમેરી રહ્યો છે. ભક્તો દૂર-દૂરથી આ સુંદરતાને નિહાળવા અને જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. ભક્તોમાં જોવા મળતો આ ઉત્સાહ અને આનંદ, આગામી જન્મોત્સવની ભવ્યતાની ઝાંખી કરાવે છે. આ શણગાર માત્ર મંદિરની સુંદરતા જ નથી વધારતો, પરંતુ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિને પણ વધુ મજબૂત બનાવે છે.