Rajkot: ભાજપના સુશાસન સપ્તાહની ઉજવણીનો યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે કર્યો વિરોધ, પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓની અટકાયત

ભારતીય જનતા પાર્ટીએ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂરા થતાં આજે રાજ્યભરમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરી છે. જેની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવવા માટે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કર્યું હતું.   

Updated By: Aug 1, 2021, 01:50 PM IST
Rajkot: ભાજપના સુશાસન સપ્તાહની ઉજવણીનો યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે કર્યો વિરોધ, પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓની અટકાયત

ગૌરવ દવે, રાજકોટઃ વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ પૂરા થતા ભાજપ દ્વારા આજથી સુશાસન સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પણ ભાજપે તેની શરૂઆત કરી છે. તો વિરોધ પક્ષ કોંગ્રેસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એનએસઆઈયૂના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પહેલા પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વિરોધની શરૂઆત થતાં પોલીસે પરેશ ધાનાણી સહિત અન્ય કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. આ તમામને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. 

મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં પરેશ ધાનાણી સિવાય મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાધેલા, રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓ, પાર્ટીના કાર્યકરો અને એનએસયૂઆઈના સભ્યો પણ સામેલ થયા હતા. કોંગ્રેસે શિક્ષણનો વેપાર બંધ કરો, ફી માફી આપો, શિક્ષકોની ભરતી કરો જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 

આ પણ વાંચોઃ Amreli: તાઉતે વાવાઝોડામાં ભારે નુકસાન બાદ હજુ નળી મળી સહાય, ખેડૂતોમાં નારાજગી

ભાજપના જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી સામે કોંગ્રેસનું શિક્ષણ બચાવો અભિયાન
ભારતીય જનતા પાર્ટીએ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂરા થતાં આજે રાજ્યભરમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરી છે. જેની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવવા માટે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કર્યું હતું. રાજકોટમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ શિક્ષણનું ખાનગીકરણ, શિક્ષકોની ભરતી કરવા જેવા નારા લગાવ્યા હતા. 

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યુ કે, ભાજપની લોક વિરોધી નીતિને કારણે મંદી, મોંઘવારી વધી છે. ગરીબ લોકો સામે અનાજ આપવાના નામે મજાક કરવામાં આવી રહી છે. ભાજપની સરકાર ગરીબી દૂર કરી શકી નથી. માત્ર વાતો જ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube