કોરોનોમાં માનવતા ભૂલી કમાવવા બેસ્યા લોકો, હવે ઓક્સીમીટરના ભાવ આસમાને

Updated By: May 9, 2021, 08:32 AM IST
કોરોનોમાં માનવતા ભૂલી કમાવવા બેસ્યા લોકો, હવે ઓક્સીમીટરના ભાવ આસમાને
  • કોરોના મહામારીમાં લગભગ દરેક મેડિકલ સુવિધા માટે વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યાં છે
  • જે ઓક્સીમીટર 700 થી 800 રૂપિયામાં મળતું હતું. તેના ભાવ વધીને હાલ રૂપિયા 2000 એ પહોંચ્યા

આશ્કા જાની/અમદાવાદ :કોરોના મહામારીના કપરા કાળમાં પણ ચારેતરફ લૂંટ ચાલી રહી છે. એક તરફ એવા લોકો છે જે સેવાકાર્યમાં દિવસરાત ભૂલીને મદદ કરી રહ્યાં છે. તો બીજી તરફ, એવા પણ લોકો છે, જેઓ મરણપથારીએ પડેલા માણસને પણ લૂંટી લે છે. કોરોનાની સારવાર માટે જરૂરી મેડિકલ સાધનોની રીતસરની લૂંટ શરૂ થઈ ગઈ છે. કોરોનાની આ લહેરમાં ઓક્સીમીટર (oximeter)ના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લાં દોઢ મહિનામાં ઓક્સીમીટરના ભાવ બમણા કરતા પણ વધી ગયા છે.

ઓક્સીમીટરની ડિમાન્ડ વધી, પણ સપ્લાય ઓછું 
જે ઓક્સીમીટર થોડા સમય પહેલા 700 થી 800 રૂપિયામાં મળતું હતું. તેના ભાવ વધીને હાલ રૂપિયા 2000 એ પહોંચ્યા છે. આ ભાવ વધારા પાછળનું કારણ છે ડિમાન્ડ. માર્કેટમાં ડિમાન્ડ વધી છે અને બીજી તરફ ઓક્સીમીટરનું ઉત્પાદન ઓછું છે. કોરોનાની આ સ્થિતિમાં લોકો ઘરે ઘરે ઓક્સીમીટર વસાવી રહ્યા છે. આ જ કારણ છે કે ડિમાન્ડ અને સપ્લાયમાં મોટો ગેપ વધી રહ્યો છે. 

આ પણ વાંચો : Mothers Day : પોતાની જીવની પરવા કરવા કર્યા વગર થેલેસેમિયાગ્રસ્ત કિંજલ બની ‘માતા’

હોમ ક્વોરેન્ટાઈન દર્દીને ઓક્સીમીટર જરૂર 
કોરોનાકાળમાં ઘરે સારવાર કરાવતા દરમિયાન ઓક્સીમીટરની જરૂરિયાત હોય છે. દર્દીએ સતત પોતાનું ઓક્સીજન લેવલ માપવાનું હોય છે. એક તરફ, જ્યાં ઓક્સીમીટરના મોંઘા ભાવ વસૂલાઈ રહ્યાં છે, ત્યાં બીજી તરફ માર્કેટમાં સસ્તા ઓક્સીમીટરના નામે નકલી ઓક્સીમીટર પધરાવવામાં આવે છે. જેમાં ઘરે આવ્યા બાદ આંકડા પણ બતાવાતા નથી. ત્યારે આવા સસ્તા અને નકલી ઓક્સીમીટરથી ચેતવાની જરૂર છે. 

કોરોના મહામારીમાં લગભગ દરેક મેડિકલ સુવિધા માટે વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યાં છે. 500 વાળું ઓક્સીમીટર 1200-1500માં, 1200 વાળું રેમડેસિવિર 20,000 રૂપિયામાં, ઓક્સિજન સિલિન્ડરમાં કાળાબજારી, ઓક્સિજન ફ્લોમીટરમાં લૂંટ, અન્ય મેડિકલ સાધનોમાં લૂંટ, પ્રાઇવેટ હોસ્પિટલમાં લૂંટ... ત્યારે આ બધુ ક્યારેય જઈને અટકશે.