અમદાવાદમાં મોટું કૌભાંડ; ગેરકાયદેસર રહેતા 17 બાંગ્લાદેશીઓના નીકળ્યા પાસપોર્ટ, ATSનો મોટો ઘટસ્ફોટ
Ahmedabad News: ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપીને ડીપોર્ટ કરી દેવાયા છે. ત્યારે હવે ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદથી રાણા સરકાર ઉર્ફ મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશી અને બોગસ ડોક્યુમેન્ટ બેેનાવનારા એક એજન્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા હાલની પ્રવર્તમાન પરસ્થિતીને અનુસંધાને દેશમાં રહેતા ગેરકાયદેસર ઘુસણખોરો અને તેમને મદદગારી કરનાર ઈસમો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપેલ હોઇ ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા આ દિશામાં ઠોસ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ. જે અન્વયે એ.ટી.એસ.ના અધિકારીઓને સર્વેલન્સ રાખવા સુચના આપવામાં આવેલ.
જે દરમ્યાન એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એન. વાઘેલાનાઓને બાતમી મળેલ કે, રાણા સરકાર ઉર્ફે મોહમંદ દિદારૂલ આલમ નામનો બાંગ્લાદેશી જે હાલ ૫૫, બાગે કૌસર, કેનાલ રોડ, નારોલ, અમદાવાદ ખાતે રહે છે અને તેના મકાનની નીચે વીઆઇપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે. તેણે પોતાના ખોટા આઇ.ડી. પ્રુફ બનાવી ભારતીય પાસપોર્ટ કઢાવેલ છે. તેમજ આ રાણા સરકારે તથા રોબ્યુલ ઇસ્લામ નાઓએ નારોલ મણીયાર પેટ્રોલ પંપ સામે આવેલ અલ કુરૈશ એન્ટરપ્રાઇઝના સોએબ કુરેશી સાથે મળી બીજા બાંગ્લાદેશીઓના તથા અન્ય ઇસમોના આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ ખોટા બનાવી તેઓના પાસપોર્ટ કઢાવી આપે છે.
જે આધારે એટીએસ ની ટીમ બનાવેલ જેમાં એ.ટી.એસ. ટીમ દ્વારા તા.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ રાણા સરકારની બાગે કૌસરમાં આવેલ વી.આઇ.પી. મોબાઇલ બેન્ડ મની ટ્રાન્સફરના બોર્ડવાળી દુકાનમાં ઝડતી તપાસ કરતા તેની દુકાનમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ, -ટણીકાર્ડ વિગેરે મળી આવેલ. જેમાં આરોપી રાણા સરકારનું આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ, government of the People's Republic of Bangladesh National ID Card, ભારત સરકાર નું ઈશ્રમ કાર્ડ તથા બેંક ઓફ બરોડાની પાસબુક મળી આવેલ છે. આ ઉપરાંત રાણા સરકારે રોબ્યુલ ઇસ્લામ મના માણસે લાવેલ ૧૩ થી ૧૪ જેટલા બાંગ્લાદેશી માણસોના બોગસ આઇ.ડી. પ્રુફ સોએબ મોહમદ સે બનાવડાવી તેઓના પાસપોર્ટ બનાવવા ઓનલાઇન અરજીઓ કરાવી પાસપોર્ટ બનાવ્યા નું જણાવ્યું છે.
જે બાદ સોએબ કુરેશીના અલ કુરેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ઝડતી તપાસ કરતા તેની દુકાનમાંથી ખોટા આધારકાર્ડ બનાવવા માટેના નકલી સર્ટીની કુલ 22 નકલો મળી આવેલ છે. ઉપરાંત આરોપીના કમ્પ્યુટર તથા લેપટોપ માંથી ખોટા આધારકાર્ડ બનાવવા માટેના નકલી સર્ટીની 3૦૦થી વધારે નકલો, પાનકાર્ડની બનાવટી નકલો, જન્મના દાખલાની બનાવટી નકલો તથા અન્ય ડોક્યુમેન્ટ્સ મળી આવેલ છે. જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં થતો હોઈ શકે છે. આ ઉપરાંત સોએબ કુરેશીએ રોબ્યુલ ઇસ્લામ અને રાણા સરકાર સાથે મળીને ૧૭ બાગ્લાદેશીના બોગસ ડોક્યુમેન્ટ આધારે પાસપોર્ટ કઢાવી આપેલ હતા તેમજ બીજા ૯ બાગ્લાદેશીઓના પાસપોર્ટ માટે અરજીઓ કરેલ હતી.
આરોપીઓ પૈકી મોહમંદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર મુળ ઉત્તર ગોવિંદપુર જિલ્લો કિશોરગંજ બાંગ્લાદેશ નો નિવાસી છે જે વર્ષ ૨૦૧૨માં ખેતરના માર્ગે ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને ભારતના દિનહાટામાં આવેલ. જ્યાથી તે શિલીગુડી-હાવડા-તમિલનાડુ-બેંગલોર-મુંબઈ થઈ ૨૦૧૫માં અમદાવાદ આવેલ. જ્યા તેણે ૨૦૧૭માં પાસપોર્ટ બનાવડાવેલ અને ઉપરોક્ત સરનામે દુકાન ભાડે લઈ ૨૦૧૮માં આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ બનાવવાનું કામ ચાલુ કરેલ. અન્ય આરોપી સોએબ મોહમદ કુરેશી મુળ નવલગઢ રાજસ્થાનનો નિવાસી છે તે વર્ષ ૨૦૧૫થી આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ વગેરેની ઓનલાઈન અરજીઓ માટે અલ કુરેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવતો હતો.
બનાવટી ડોક્યુમેન્ટ્સના આધારે ઉપરોક્ત આરોપીઓ દ્વારા બનાવવામાં આવતા પાસપોર્ટ માત્ર છેતરપિંડી નહિ પરંતુ તેનાથી વિશેષ તે આતંકવાદ, જાસુસી, દાણચોરી, ગેરકાયદેસર ઈમિગ્રેશન તથા અન્ય જોખમોમાં વધારો કરી શકે છે. જે ભારતની રાષ્ટ્રિય સુરક્ષા અને દેશના નાગરિકોની જાહેર સલામતી પર સીધી અસર કરે છે. જે આધારે ઉપરોક્ત બન્ને આરોપીઓ (૧) મોહમંદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર અબ્દુલ રહીમ શેખ જે ૫૫, બાગે કૌસર, કેનાલ રોડ, નારોલ, અમદાવાદ રહેતો હતો અને સોએબ મોહમદ અબ્દુલ હમીદ ઉમરદિન કુરેશી ઉ.વ.૩૩ ૧૦૬, ન્યુ ઇન્દીરાનગર, બોમ્બે હોટલની પાછળ, નારોલ રોડ, નારોલ અમદાવાદ રહે છે જે બંને અટકાયત કરેલ છે તથા અન્ય આરોપી રોબ્યુલ ઇસ્લામ હાલમાં સાઉથ કોરિયામાં છુપાયેલ છે.
જે આધારે એ.ટી.એસ ખાતે ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ આરોપી (૧) મોહમંદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર મો.અબ્દુલ રહીમ શેખ (૨) સોએબ મોહમદ. અબ્દુલ હમીદ ઉમરદિન કુરેશી અને રોબ્યુલ ઇસ્લામ વિરૂદ્ધ બી.એન.એસ. કલમ ૩૩૬(૨), ૩૩૭, ૩૩૮, ૩૪૦(૨) તથા પાસપોર્ટ એક્ટ કલમ ૧૨(૧)(ખ) તથા ૧૨(૨) તથા ધી ફોરેનર્સ એક્ટ ૧૯૪૬ ની કલમ ૧૪(એ)(બી) તથા ૧૪(સી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે