)
Patan News : બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું એક મહા સ્નેહમિલન દિયોદર ખાતે યોજાયું હતું. જેમાં સમાજના મહાનુભાવોએ ઠાકોર સમાજમાં સુધારા વધારા, સામાજિક બંધારણ અને કુરિવાજો તેમજ બદીઓ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે પાટણના રાધનપુરમાં ઠાકોર સમાજે કેટલા કુરિવાજોને તિલાંજલિ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મેમદાવાદના ઠાકોર સમાજની પહેલ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે ઠાકોર સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક રામદેવપીર મંદિર ખાતે યોજાઈ, જેમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા. સમાજના શિસ્તબદ્ધ અને સંસ્કારી લગ્ન પ્રસંગો માટે અનેક નવા નિયમો અમલમાં લાવવા નિર્ણય લેવાયો.
શું શું નિર્ણય લેવાયા
મેમદાવાદ ગામમાં યોજાયેલ મીટિંગમાં એવું પણ નક્કી કરાયું કે, આ બંધારણ માત્ર મેમદાવાદ ગામ પૂરતું જ રહેશે. તેમજ ગામનો જો કોઈ પરિવાર આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમને 11 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
જે સમાજ જમાના સાથે ચાલે છે તે તમામ સમાજ આજે આગળ છે - અલ્પેશ ઠાકોર
ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તાજેતરમાં જ કહ્યું હતું કે, 26 જાન્યુઆરીના રોજ આપણે રાત્રે 3 વાગ્યે સભા રાખી છે. રાત્રે સભા રાખવાનું બસ એક જ કારણ છે કે, બધા સમાજો જાગી ગ્યા છે અને આપણે ઊંઘતા ન રહીએ એટલે રાત્રે સભા રાખીને જગાડવા છે. જે સમાજો આગળ આવ્યાં છે તો તે કેવી રીતે આગળ આવ્યાં છે તે શિખજો. જે સમાજ જમાના સાથે ચાલે છે તે તમામ સમાજ આજે આગળ છે. આજેય ઠાકોર સમાજ પાસે કરોડો રૂપિયાની જમીનો છે. આપણા સમાજમાંથી કોઈ આગળ જતો હોય તો તેનો હાથ ન પકડીએ તો કઈ નહીં પણ એનો પગ ન ખેંચતા. એની મદદ કરજો.
આ સ્નેહમિલનમાં સમાજમાં સુધારા વધારા, સામાજિક બંધારણ અને કુરિવાજો તેમજ બદીઓ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઠાકોર સમાજના નેતાઓએ એક મંચ પરથી 'શિક્ષિત બનો, સંગઠિત બનો'નો નારો આપ્યો હતો અને સમાજને કુરિવાજોથી મુક્ત થવા અપીલ કરી હતી. તેકી જ મેમદાવાદના ઠાકોર સમાજે કુરિવાજો ત્યજી દેવા માટે પહેલ કરી છે.