)
Gujarat Elections : વેબસિરિઝમાં જેમ નવી સિઝન આવે એમ પાટીદાર અનામત આંદોલનની ય નવી સિઝનના એંધાણ વર્તાઈ રહ્યા છે અને આ વખતે ચૂંટણીમાં ય આર્થિક અનામતની માંગણી નિમિત્ત બનશે. યુવા પાટીદારોએ નવો સૂર આલાપ્યો છે, જેનો વિવાદ હવે ધીરે ધીરે વધી રહ્યો છે.
વર્ષ 2017ની ચૂંટણી પહેલાં અનામત આંદોલન છેડીને ભાજપને એક તબક્કે બે આંકડે લાવી દેનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કેટલાંક નવરા પડ્યાં પછી ક્યાંય સેટ ન થયેલાં નેતાઓ આગામી ચૂંટણી પહેલાં મહત્વ ઊભું કરવા મથી રહ્યા છે. આ વખતે ય તેમણે અનામતનું હથિયાર ઊઠાવ્યું છે પરંતુ એ હથિયાર થોડું નવતર પણ છે. ગત વખતે આંદોલનના પરિણામ સ્વરૂપે શિક્ષણ અને રોજગારમાં 10 ટકા આર્થિક અનામત મેળવ્યા પછી આ હિસ્સેદારી તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ માંગી રહ્યા છે.
હાર્દિક લઈ ગયો, અમે રહી ગયા
પાસના નેતાઓ પૈકી મોટાભાગનાએ આંદોલન પછી રાજકીય પક્ષોની આંગળી પકડી લીધી હતી. એ પૈકી હાર્દિક પટેલ કોંગ્રેસમાં થઈને ભાજપમાં જોડાયા અને વિરમગામથી ચૂંટાઈને ધારાસભ્ય પણ બની ગયા. વરુણ પટેલ, રેશમા પટેલ ભાજપમાં જોડાયા પરંતુ ત્યાં એમને કોરાણે મૂકી દેવાયા. રેશમા પટેલ એનસીપી પછી હવે આપમાં છે. અલ્પેશ કથિરિયા પણ આપમાં હતા. ચૂંટણી હાર્યા પછી ભાજપમાં જોડાયા છે પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓ તેમને ભાજપમાં ગણતાં કે ગણકારતાં હોય તેમ લાગતું નથી. હાંસિયામાં ધકેલાયેલા આ દરેક નેતા હવે પોતાનું મહત્વ સાબિત કરવા કમર કસી રહ્યા છે.
વરુણે કાંડી ચાંપી, કથિરિયાએ હવા ફૂંકી
હાલમાં મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી પછી વરુણ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો કે ડેરીના સભાસદો પૈકી 21 ટકા સવર્ણો (જેમાં મોટાભાગના પાટીદારો) છે પરંતુ ડિરેક્ટર તરીકે ફક્ત 2 જ બેઠક સવર્ણોના ભાગે આવી છે. આ અન્યાય છે એવી લાગણી વ્યક્ત કરીને વરુણે સ્થાનિક ચૂંટણીઓમાં પણ 10 ટકા EWS લાગુ કરવાની માંગણી વહેતી કરી. એ પછી હાલમાં અલ્પેશ કથિરિયાએ પણ એ માંગણીનું સમર્થન કર્યું છે.
પાટીદારોનું રાજકીય પતનનો મુદ્દો લાવ્યા
વરૂણ પટેલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS લાગૂ કરવા માંગ કરી છે. જો EWS લાગૂ નહીં થાય તો પાટીદારોનું રાજકીય પતન થવાની વાત કરી. તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે, દૂરબિનથી જોશો તો પણ રાજકારણમાં પાટીદારો નહીં દેખાય. ત્યારે આ મુદ્દે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, EWS અનામત મળવું જોઈએ. આ મામલે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરાઈ છે. EWS લાગુ થશે તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં લાભ મળશે.
EWSની માંગણી અને ચૂંટણીને શું સંબંધ
પાટીદારોની અનામતની માંગણીના જવાબમાં રાજ્ય સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામતની જોગવાઈ કરી આપી છે. આ જોગવાઈ અલબત્ત ચૂંટણીમાં લાગુ પડતી નથી. ચૂંટણીમાં તો SC, ST અને OBCને જ અનામત બેઠકો મળવાપાત્ર ગણાય છે. ચૂંટણીમાં EWSને અનામતનો મુદ્દો અલબત્ત હાલ અદાલતમાં પેન્ડિંગ છે. પરંતુ નવરા પડેલાં પાસના નેતાઓ પોતાનું મહત્વ ઊભું કરવા આ મુદ્દે નવેસરથી આંદોલનનું રણશિંગું ફૂંકે તો નવાઈ નહિ.