)
Surat News: તાજેતરમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ એક ગંભીર મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે ઓટીટી પ્લેટફોર્મ્સની જેમ જ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ થતાં અશ્લીલ અને વાંધાજનક વીડિયોને સમાજ માટે એક નવું દૂષણ ગણાવ્યું છે.
પત્રમાં મથુર સવાણીએ ઉલ્લેખ કર્યો છે કે કેટલીક યુટ્યુબ ચેનલો પર અશ્લીલ અને અભદ્ર ભાષા વાળા વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેમાં કાલ્પનિક પાત્રો અને કહાનીઓ દ્વારા અયોગ્ય સામગ્રી દર્શાવવામાં આવે છે. આમાં કેટલીક ચેનલો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ કાલ્પનિક પાત્રો ઊભા કરીને તેમને વાંધાજનક રીતે રજૂ કરી રહી છે, જે અત્યંત ગંભીર બાબત છે.
સવાણીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, આ પ્રકારની પ્રવૃત્તિઓ ફક્ત કાયદાનું ઉલ્લંઘન જ નથી કરતી, પરંતુ સમાજમાં નકારાત્મકતા અને નૈતિક પતન ફેલાવે છે. આવા વીડિયોનો સૌથી વધુ ખરાબ પ્રભાવ યુવાનો, બાળકો અને ખાસ કરીને માતાઓ અને બહેનો પર પડે છે. આ ચેનલો સાયબર સુરક્ષા માટે પણ એક મોટો ખતરો છે.
આ પત્ર દ્વારા મથુર સવાણીએ વડાપ્રધાનને તાત્કાલિક કાર્યવાહી કરવા અને આવી તમામ ચેનલોને આઈડેન્ટીફાય કરીને બંધ કરવા તથા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે, જેમ ઓટીટી પ્લેટફોર્મ્સ માટે નિયમો બનાવવામાં આવ્યા, તેવી જ રીતે AI દ્વારા જનરેટ થતી સામગ્રી માટે પણ કડક નિયંત્રણો આવશ્યક છે. આ પગલું સામાજિક મૂલ્યો અને સુરક્ષા જાળવવા માટે અત્યંત જરૂરી છે.