CR Patil On Waqf Bill 2025 : વકફ સંશોધન બિલ મુદ્દે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર. પાટીલે આપ્યું નિવેદન... કહ્યું, આવા નિયમો રદ થવા જોઈએ... વકફ બિલમાં સુધારો કરવામાં આવે તેવી ઘણા લોકોની અપેક્ષા હતી...સંસદમાં લોકોની ગેરસમજ દૂર કરવામાં આવી

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વકફ સુધારા બિલને લઇ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સીઆર પાટીલે જણાવ્યું છે કે, વકફ સુધારા બિલને લઇ લોકોથી સત્તાઓ સુધી અસંતોષ હતો અને કેટલાક નિયમો એવા હતા જેને દૂર કરવાને જરૂરી બની ગયું હતું. સુધારા માટે માત્ર હિન્દુઓ જ નહીં પારસીઓ અને મુસ્લિમો પણ સહમત હતા. કોઈ પણ સંસ્થા પોતાના હક વગર કોઈ મિલકત પર દાવેદારી ના કરી શકે એ માટે આ બિલ ખુબ જ મહત્વપૂર્ણ છે
સીઆર પાટીલે જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી લઇ વિવાદ સર્જાયો હતો. આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને અંતે મહાનગરપાલિકા આ કેસ જીતી હતી. પરંતુ આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય એ માટે વકફ સુધારા બિલ લાવવાનો નિર્ણય લેવાયો હતો.
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલએ રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું રાષ્ટ્રપતિના આભાર માનું છું કે તેમણે દેશના લોકોને જબરદસ્તીથી પોતાના હકોથી વંચિત થતા અટકાવવા માટે આ બિલને મંજૂરી આપી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે વકફ સુધારા બિલ દેશના દરેક સમુદાય માટે છે અને કાયદા દ્વારા દરેકની મિલકત સુરક્ષિત રહેશે. કોઈ પણ સંસ્થા પોતાની માલિકીની મિલકતને છોડીને અન્ય મિલકત પર દાવેદારી નહીં કરી શકે એ માટે આ બિલ અમલમાં મૂકાયું છે.
આજે ભાજપાનો સ્થાપના દિવસ
ભાજપાનો સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ તેમના નિવાસ સ્થાને ભાજપાનો ધ્વજ લહેરાવ્યો હતા. ભાજપની સ્થાપના દિવસ નિમિત્તે સીઆર પાટીલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો દિવસ છે. આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશીપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે. સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી એ લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સૌપ્રથમ તો દેશને મહત્વ આપે છે ત્યારબાદ તે પોતાને મહત્વ આપે છે. એટલે કે દેશ પહેલા નંબરે છે અને ત્યારબાદ પાર્ટી બીજા નંબરે છે.