સાણંદના લોકોને ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત, રેલવે ઓવર બ્રિજનું થયું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના રૂ. ૧૪૬ કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. 

સાણંદના લોકોને ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત, રેલવે ઓવર બ્રિજનું થયું લોકાર્પણ

સાણંદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાણંદ - ચેખલા - કડી રસ્તા પર, અમદાવાદ વિરમગામ રેલવે લાઈન ઉપર નિર્મિત એક કિલોમીટર લાંબા ફોર લેન રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સાણંદ તાલુકાના નિધરાડ ગામની ભાગોળે મુનીબાવાના આશ્રમ પાસે આવેલા રેલ્વે ફાટક પર આ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

સાણંદ તાલુકાને કડી અને ગાંધીનગર સાથે જોડતા રોડ પર રેલવે ઓવર બ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થયું છે તેમજ સાણંદના ઉદ્યોગો, ફેક્ટરીઓ માટે માલસામાનના પરિવહનને ગતિ મળી છે.  

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટમાં ગુજરાત દેશનું નંબર વન રાજ્ય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત માળખાકીય વિકાસમાં વિશ્વનું નંબર વન રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. ભારત પાસે દુનિયાનું બીજા નંબરનું રોડ નેટવર્ક, ત્રીજા નંબરનું મેટ્રો નેટવર્ક અને ચોથા નંબરનું રેલ નેટવર્ક આવેલું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

ચિલોડા-ગાંધીનગર-સરખેજ હાઇવે પરના છારોડી જંકશન પાસે બ્રિજ તથા નર્મદા કેનાલ પર નવા ચારમાર્ગીય બ્રિજનું ઈ-ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ કર્યું હતું. આ ઉપરાંત, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોટીભોયણ- વાંસજડા- વામજ રસ્તાની રીસરફેસિંગની કામગીરીનું ઈ-ખાતમુહૂર્ત પણ તેમણે કર્યું હતું. 

આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ફોરલેન હાઇવેની સંખ્યા અઢી ઘણી વધી છે. દેશમાં દરરોજ ૩૬.૫ કિલોમીટર લાંબા નવા રોડ બને છે અને હાઇવેની સંખ્યામાં 60 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સાણંદ - કલોલ જેવાં નાનાં નગરોનો વિકાસ તેજ ગતિએ થઈ રહ્યો છે. સાણંદમાં 500 બેડની હોસ્પિટલ ભારત સરકાર બનાવવાની છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મોટી સિવિલ હોસ્પિટલનું નિર્માણ પણ થવાનું છે. સાથે જ કલોલમાં પણ ભારત સરકાર દ્વારા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થવાનું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કોઈ પણ નાગરિકને ઘરથી 20 કિમીની અંદર મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ઉત્તમ આરોગ્ય સુવિધા મળી રહે તેવી તેમની નેમ છે. 

મંત્રીએ કહ્યું કે, વિશ્વનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી ધોલેરા, ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવા મેગા પ્રોજેક્ટનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. જે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રકચરલ વિકાસને દર્શાવે છે. 

આ પ્રસંગે સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી નાગરિકોમાં જે ખુશીની લાગણી પ્રવર્તી છે, તેનો ચિતાર આપ્યો હતો.
ધારાસભ્યએ સાણંદને કલોલ સાથે જોડતા રોડને ફોર લેન કરવાની કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં સાણંદથી કલોલ કે મહેસાણા જવા માટે ફોર લેન રોડ મળી રહેવાનો છે, તેની વિગતો જણાવી હતી. 

સાણંદને 'બ' વર્ગની નગરપાલિકાનો દરજ્જો મળતાં વિકાસ કામોમાં ગતિ આવશે તેમજ નર્મદાના કમાન્ડ એરિયામાં સાણંદના વિસ્તારોનો સમાવેશ થયો છે, તેનાથી પિયત ખેતીને પણ પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news