વડોદરામા વેક્સિનેશનનો ફિયાસ્કો : ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા નાગરિકોને વેક્સીન નથી મળતી

રાજ્ય સરકાર અને વડોદરા પાલિકાએ રંગેચંગે રસીકરણ (vaccination) મહાઅભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ના હોવાથી મહાઅભિયાનનો ફિયાસ્કો થયો છે. વડોદરામાં કોરોના રસી લેવા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના સેન્ટર પર 200 થી વધુ લોકો સવારના 7 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, છતાં રસી નથી મળી રહી. 

Updated By: Jun 30, 2021, 12:01 PM IST
વડોદરામા વેક્સિનેશનનો ફિયાસ્કો : ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા નાગરિકોને વેક્સીન નથી મળતી

રવિ અગ્રવાલ/વડોદરા :રાજ્ય સરકાર અને વડોદરા પાલિકાએ રંગેચંગે રસીકરણ (vaccination) મહાઅભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ના હોવાથી મહાઅભિયાનનો ફિયાસ્કો થયો છે. વડોદરામાં કોરોના રસી લેવા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના સેન્ટર પર 200 થી વધુ લોકો સવારના 7 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, છતાં રસી નથી મળી રહી. 

ત્રણ દિવસથી વેક્સીન માટે લોકો ધક્કો ખાઈ રહ્યાં છે 
વડોદરા પાલિકાએ રસીકરણ મહાઅભિયાન હેઠળ શરૂઆતમાં 260 કેન્દ્રો પર 26000 લોકોને રસી આપવાનું લક્ષ્યાંક નક્કી કર્યો હતો. બાદમાં રસીનો જથ્થો પૂરતો ના આવતા સેન્ટર ઘટાડી 90 જેટલા કરવામાં આવ્યા. જેથી રસી લેવા વેક્સિન સેન્ટર પર લોકોની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના વેક્સિન કેન્દ્ર પર સવારના 7 વાગ્યાથી જ લોકો વેક્સિન લેવા લાઈનમાં ઊભા રહ્યા છે. કેટલાક લોકો છેલ્લા ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, છતાં વેક્સિન નથી મળી રહી. વડોદરામાં 1.40 લાખ લોકોનો કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે, જેથી વેક્સિન કેન્દ્રો પર લોકોની ભારે ભીડ થઈ રહી છે. લોકોને વેક્સિન લેવી છે, પણ સરકાર પાલિકાને વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ના આપતાં લોકોને વેક્સિન નથી મળી રહી. 

થાકીને વૃદ્ધો જમીન પર બેસી ગયા 
સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના વેક્સિન સેન્ટર પર કલાકો સુધી ઊભા રહેવાના કારણે વૃદ્ધો થાકી ગયા હતા, અને જમીન પર બેસીને પોતાનો નંબર આવવાની રાહ જોવા લાગ્યા. અમુક લોકોએ પોતાનો બળાપો ઠાલવ્યો કે, વેક્સિન નથી તો પાલિકાએ બોર્ડ મારવા જોઈએ. જેથી અમારે ધક્કો ના ખાવો પડે.

વેક્સિનનો બીજો ડોઝ લેવા આવનારા બે વૃદ્ધો ભીખભાઈ રાણા અને રણજીત મહીડા કહે છે કે, કોવીશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો મેસેજ અમારા ફોનમાં આવતા અમે વેક્સિન લેવા સેન્ટર પર ગયા હતા. પણ બંને સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા અને સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું સેન્ટર ચાલુ છે, તો લોકોની લાંબી લાઈન છે. અમે છેલ્લા બે કલાકથી લાઈનમાં ઊભા છે પણ હજી વેક્સિન નથી મળી, વેક્સિન મળશે કે નહિ તે પણ ખબર નથી. જેથી કંટાળીને અને ઘરે પરત જઈ રહ્યા છે. 

આવા જ હાલ વડોદરાના મોટાભાગના નાગરિકોના છે, ત્યારે સરકાર અને પાલિકા સત્તાધીશોએ યોગ્ય સંકલન કરી લોકોને સમયસર વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા
કરવી જોઈએ.