સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ કરતા લોકો થઈ જજો સાવધાન, પોલીસે બનાવી મોનિટરિંગ ટીમ, થશે કાર્યવાહી

આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ગુનાહિત પ્રવૃત્તિ માટે થઈ રહ્યો છે. અનેક ગુનાઓ સોશિયલ મીડિયા દ્વારા થઈ રહ્યાં છે. કેટલાક લોકો પોતાની ધાક જમાવવા માટે હથિયારો સાથેના વીડિયો પોસ્ટ કરતા હોય છે, પરંતુ હવે આવા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસે કમર કસી છે.

સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ કરતા લોકો થઈ જજો સાવધાન, પોલીસે બનાવી મોનિટરિંગ ટીમ, થશે કાર્યવાહી

ઉદય રંજન, અમદાવાદઃ  કહેવાય છે કે જેટલી સગવડ એટલીજ અગવડ પણ થાય છે ત્યારે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સોશિયલ મીડિયા.. જી હા સોશિયલ મીડિયાની જેટલી સારી અસર અને ફાયદા છે તેટલી જ આડઅસર અને ગેરફાયદા પણ છે. જેમાં વર્તમાન સમયમાં અમદાવાદમાં અસમાજિક તત્વો પોતાનું વર્ચસ્વ જમાવવા અને ખૌફ વધારવા માટેથી હથિયારો સાથે અને પોલીસને પડકાર ફેંકતા વીડિયો પોસ્ટ કરતા થયા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસે આવી વીડિયો પોસ્ટને લઇને લાલ આંખ કરી છે.

પોલીસે બનાવી ટીમ
સોશિયલ મીડિયામાં ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો  પોતાના વીડિયોમાં તલવાર, રિવોલ્વર કે અન્ય હથિયાર સાથે ફિલ્મી સ્ટાઇલ કે ફિલ્મી ડાયલોગ સાથે  પોસ્ટ કરતા હોય છે.  આવી ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો વીડિયો પોસ્ટ કરીને કાયદો વ્યવસ્થા અને પોલીસને પડકાર ફેંકે છે. ત્યારે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારનાં અસામાજિક તત્વોએ લોકોને બાનમાં લીધા છે અને અંગત અદાવત કે ગુનેગારો ગુનેગારો વચ્ચે ચાલતી લડાઈના કારણે સામાન્ય લોકોને તકલીફ ઉભી થતા અમદાવાદ શહેર પોલીસે અસામાજિક તત્વો અને સોશિયલ મીડિયામાં ગુનાહિત માનસિકતા દર્શાવાતા શખ્સો સામે લાલ આંખ કરી છે.  આવા વીડિયો પોસ્ટ કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

મોનિટરિંગ ટીમ બનાવી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સોશિયલ મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં એક માસમાં આવા વીડિયો પોસ્ટ કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરુ કરી છે. જેમાં છેલ્લા એક માસમાં આવી 200 પોસ્ટ ડિલીટ કરાવવામાં આવી છે. 50 થી વધુ શખ્સો સામે ધરપકડ કે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને 30 થી વધુ ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ લોકોને આવી પોસ્ટ ફરી ન કરે તે માટેની સમજ અને સૂચન કરવામાં આવ્યું છે 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ ઝુંબેશ દરમિયાન તપાસમાં સામે આવ્યું છે કે આવી પોસ્ટ કરવા પાછળ આવી ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો એક બીજાની દેખા દેખી અને શિક્ષણનો અભાવ હોવાના કારણે આવી પોસ્ટ કરતા હોય છે. જેનાથી પોતે સૌથી તાકાતવર હોવાનો અનુભવ કરતા હોય છે ત્યારે આવનાર દિવસોમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આવા શખ્સો પર બાજનજર રખાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news