દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં વીજળી સંકટ, 32 લાખથી વધુ ગ્રાહકોની વીજળી ગુલ, ટ્રેન સેવાને પણ થઈ શકે છે અસર

ભારે ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ જોવા મળી રહ્યું છે. અચાનક વીજળી ગુલ થવાને કારણે લાખો લોકોને અસર પડી છે. સુરતમાં અનેક કારખાનાઓ બંધ થઈ ગયા છે. બીજીતરફ આ સમસ્યા યથાવત રહી તો રેલવે સેવાને પણ અસર થઈ શકે છે.

 દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં વીજળી સંકટ, 32 લાખથી વધુ ગ્રાહકોની વીજળી ગુલ, ટ્રેન સેવાને પણ થઈ શકે છે અસર

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વીજ ફોલ્ટ થવાને કારણે આશરે 3.45 કલાકની આસપાસ ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે અનેક કારખાનાઓ બંધ થઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં આશરે 32 લાખ 57 હજાર ગ્રાહકોની વીજળી ગુલ થઈ છે. અચાનક વીજળી જવાને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બીજીતરફ તેની અસર ટ્રેન સેવા પર પણ થઈ શકે છે. 

ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજળી બંધ છે. ઉકાઈના તમામ પાવર પ્લાન્ટ બેસી ગયા છે એટલે 5 કલાક સુધી વીજળી પુનઃ સ્થાપિત થઈ શકશે નહીં. આ વીજળીને કારણે રેલ વ્યવહારને પણ અસર થઈ શકે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ કટોકટી સર્જાય છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 12, 2025

એક તરફ લોકો ગરમીનો સામનો કરી રહ્યાં છે બીજીતરફ દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ જોવા મળ્યું છે. ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટ બેસી જતા વીજળીની સપ્લાય પર અસર પડી છે. જેના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર, 3461 ગામોમાં આપતો વીજ પુરવઠો થંભી ગયો છે. ભરૂચ DGVCL ના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઉકાઈ પાવર પ્લાન્ટ બેસી જવાથી આખા દક્ષિણ ગુજરાતમાં વીજળી બંધ થઈ છે. ટોરેન્ટ અને અદાણીનો પાવર સપ્લાય પણ સ્થગિત થઈ ગયો છે. અચાનક વીજળી જવાને કારણે લોકો પાવર સપ્લાય કંપનીની ઓફિસે પણ પહોંચ્યા છે.

પાવર ફરી શરૂ કરવામાં  5 કલાક ઉપરાંતનો સમય લાગી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં રહેણાંક, વાણિજ્ય અને ઉધોગો વીજ વિહોણા બની ગયા છે. પાવર ઠપ થતા ટ્રેન વ્યવહાર પણ અટકી શકે છે. ભરૂચ રેલવે સ્ટેશનના CMI શુકલાએ માહિતી આપી છે કે, રેલવે પેસેન્જર ટ્રેનને કોઈ અસર થશે નહીં. ગુડ્ઝ ટ્રેનનું સંચાલન અટકાવવામાં આવશે. જોકે વીજ કંપની પાવર ઠપ્પ થવામાં ટ્રેનો કઈ રીતે દોડી શકશે તેના પર સવાલ ઉઠી રહ્યાં છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 12, 2025

ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઉકાઈ TPSની 4 યુનિટ ટ્રિપ થઈ ગઈ છે, જેના કારણે 500 મે.વોટ ઉત્પાદન ઘટ્યું છે. DGVCL હેઠળના વિવિધ સબ-સ્ટેશન્સ પર શૂન્ય વીજ પુરવઠો SPS (સिस्टम પ્રોટેક્શન સ્કીમ) ઓપરેટ થવાને કારણે છે, જે લોડ ઘટાડવા અને સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે કાર્યરત છે. SLDC સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે સુધારાત્મક પગલાં લઈ રહ્યું છે, તેથી કૃપા કરીને ગભરાશો નહીં અને લોડ પુનઃસ્થાપિત થતો જાય અને સિસ્ટમ સામાન્ય સ્થિતિમાં પરત આવે તે અંગે અપડેટ આપતા રહો.

 

આ મામલે ખુલાસો કરાયો હતો કે, આજે બપોરે લગભગ 14:50 કલાકે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમમાં અવરોધ સર્જાતા દક્ષિણ ગુજરાતમાં લગભગ 4500 મેગાવોટ (MW) નો અચાનક લોડ ડ્રોપ નોંધાયો હતો. પરિણામે તીવ્ર વોલ્ટેજ ડીપ સર્જાતા સિસ્ટમમાંથી મોટા પ્રમાણમાં લોડ નીકળી ગયો હતો.

આ વિક્ષેપના કારણે સાત 400 kV ટ્રાન્સમિશન લાઈનો ટ્રિપ થઈ અને  વીજ ઉત્પાદન પ્લાન્ટ પ્રભાવીત થયા હતા અને તીવ્ર વોલ્ટેજ ફેરફાર થયો હતો, જેના પરિણામે ઉકાઈ, કાકરાપાર અને SLPP પાવર સ્ટેશનો બંધ થઈ ગયા.

વીજ પુરવઠાની પુનઃસ્થાપન પ્રક્રિયાને તાત્કાલિક પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં 90% વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, અને સાંજે 19:00 કલાક સુધી સિસ્ટમ સંપૂર્ણપણે સ્થિર થવાની અપેક્ષા છે. ઉપરાંત, તારાપુર એટોમિક પ્લાન્ટ અને SLPP યુનિટ્સ ફરી કાર્યરત થઈ ગયા છે, જ્યારે ઉકાઈ થર્મલ યુનિટ્સ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થશે.

GUVNL ગુજરાતમાં અવિરત અને સ્થિર વીજ પુરવઠા માટે પ્રતિબદ્ધ છે. અમે તમામ હિતધારકોનો સહકાર અને સહનશીલતા માટે આભાર માનીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news