આ કારણથી ગોપાલ ઈટાલીયા કર્યો હતો હુમલો, જૂતું ફેંકનાર વ્યક્તિનું પહેલું નિવેદન, જાણો સમગ્ર મામલો
Gopal Italia: આમ આદમી પાર્ટી (AAP)ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર આજે જામનગરમાં એક જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે સભામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં હવે જૂતું ફેંકનાર શખ્સનું નિવેદન સામે આવ્યું છે.
Trending Photos
)
Gopal Italia: જામનગર શહેરમાં શુક્રવારે સાંજે આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું, અને ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન 'આપ'ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા સંબોધન કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ઉપર જુતું ફેંકવામાં આવ્યું હતું, અને ભારે અફડાતફડી સર્જાઈ હતી.
આખરે આ જૂતું ફેંકનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યા હતા. તેણે પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમાણા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અગાઉ પ્રદિપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેઓ ઉપર જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું. ત્યારથી પોતાને વસવસો રહી ગયો હતો અને પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂપે આજે મોકો ગોતીને તે ઘટનાનો બદલો વાળ્યો હતો અને પોતાની જાતને સંતોષ વ્યક્ત કર્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે, આજે ગોપાલ ઈટાલિયાની સભામાં મેં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકીને પ્રદિપસિંહ જાડેજાનો બદલો લીધો છે. તેણે (ગોપાલ ઈટાલિયા) જે તે ટાઈમે પ્રદિપસિંહને જૂતું ફેંક્યું હતું, તેને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. આજે મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડો હોવાથી આ કાર્ય કર્યું છે.
નોંધનીય છે કે, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા જામનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખ્સે તેમના તરફ જૂતું ફેંક્યું હતું. જો કે, જૂતું ઈટાલિયાને જૂતું વાગ્યું ન હતું, આ હુમલામાં ગોપાલ ઈટાલિયા માંડ-માંડ બચ્યા હતા. પરંતુ ચાલુ ભાષણ દરમિયાન આ કૃત્ય થતાં મામલો ગરમાયો છે. આ ઘટના બનતા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જૂતું ફેંકનાર શખ્સને તાત્કાલિક પકડી લીધો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગોપાલ ઈટાલિયાએ પોલીસ પર કર્યા આક્ષેપ
બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને હુમલાખોરને બચાવવા માટે પોલીસ આવી પહોંચી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ તેમજ ભાજપ બંને પક્ષ સાથે મળીને આ પ્રકારનું કાવતરું કરી રહ્યા છે, તેવા આક્ષેપો પણ કેટલાક 'આપ' ના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














