પ્લેન ક્રેશના બે માથા-ધડના મૃતદેહ સાથે જોડાયેલી આ ખબર છે ખોટી, સિવિલ હોસ્પિટલે કર્યો ખુલાસો

Ahmedabad Civil Hospital Fake New Viral : સિવિલ હોસ્પિટલે સ્પષ્ટતા કરી કે, વાયરલ થયેલા બે માથા/ધડ સાથેના મૃતદેહ આપ્યાના સમાચાર પ્રકાશિત થયાં છે તે પાયાવિહોણા છે

પ્લેન ક્રેશના બે માથા-ધડના મૃતદેહ સાથે જોડાયેલી આ ખબર છે ખોટી, સિવિલ હોસ્પિટલે કર્યો ખુલાસો

Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ પીડિત પરિવારોને સોંપવાનું કામ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન એક સમાચાર વહેતા થયા હતા કે, પીડિત પરિવારને સોંપવામાં આવેલી બોડી બેગમાંથી બે માથા મળી આવ્યા છે. પરિવારે હોસ્પિટલ વહીવટીતંત્રને સમગ્ર મૃતદેહ આપવાની માંગ કરી છે. ત્યારે આ ખબર ખોટી હોવાના સિવિલ હોસ્પિટલે ખુલાસો કર્યો છે. સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવાયું કે, કેટલાક સમાચાર માધ્યમોમાં બે માથા/ધડ સાથેના મૃતદેહ આપ્યાના સમાચાર પ્રકાશિત થયાં છે તે પાયાવિહોણા છે. 

સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરાયો ખુલાસો
પીડિત પરિવારને સોંપવામાં આવેલા મૃતદેહ અંગે ફેલાયેલા સમાચાર અંગે સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રેસનોટ જાહેર કરીને ખુલાસો કરવામાં આવ્યો છે. જે આ મુજબ છે. 

સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતકના પાર્થિવ દેહ ની બેગ બે માથા સાથે સોંપવામાં આવી એ સંદર્ભેના સમાસર વિવિધ મીડિયાના માધ્યમથી પ્રકાશિત થયા છે તે વાત તદ્દન ખોટી વાત છે. આ પ્રકારના મેસેજ સમાજમાં આવા સમયે ફરી રહ્યા છે જે ખૂબ જ દુઃખની વાત છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી અત્યાર સુધીમાં જેટલા પણ પાર્થિવ દેહ એમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે તે ખૂબ જ સન્માનભેર, માન સન્માન સાથે સૌપવામાં આવ્યા છે અને આગળ પણ આવશે. અત્યાર સુધીમાં આ મૃતકોના સ્વજનો દ્વારા આ પ્રકારની કોઈ પણ ફરિયાદ સિવિલ હોસ્પિટલ તંત્ર કે સરકારને કરવામાં આવી નથી કે જાણ કરવામાં આવી નથી. જિલ્લા વહીવટી તંત્ર કે જિલ્લા કલેક્ટર દ્વારા પણ અત્યાર સુધીમાં રાજ્ય સરકાર કે સિવિલ હોસ્પિટલ તંત્રને આવા વિષય સંદર્ભે કોઈ પણ પ્રકારની જાણે કે ફરિયાદ કરવામાં આવી નથી. જાહેર જનતાને આવી પરિસ્થિતિમાં અપીલ કરવામાં આવે છે કે, આ પ્રકારના કોઈપણ તથ્ય વિહોણા મેસેજ અને ન્યૂઝ પર વિશ્વાસ કરવો નહીં. સિવિલ હોસ્પિટલ તંત્ર દરેકે દરેક મૃતક પરિવારની સાથે છે અને તેમની સંવેદનાઓ સમજી શકે છે.

અત્યાર સુધી 92 મૃતકોના ડીએનએ મેચ થયા 
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ  ૪૭ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે આજે સવારે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.
મીડિયા બ્રીફિંગમાં વધુમાં જણાવાયું હતું કે અન્ય ૦૮ પરિજનોને આગામી બે કલાકમાં તેમના સ્વજનના નશ્વર દેહને સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ ૧૩ના પરિજનો હાજર છે, જેઓને તેમના સંબંધીઓના પાર્થિવ દેહ સન્માનભેર આપવામાં આવશે.  વધુ ૮૭ પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૨ પરિવારો એવા છે, જેમના અન્ય સંબંધીઓના ડીએનએ મેચિંગનું પરિણામ મળ્યા બાદ તેઓ પાર્થિવ દેહને એકસાથે સ્વીકારવાના છે, જ્યારે ૧૧ પરિવારો કુટુંબીજનો સાથે ચર્ચા કરીને મૃતદેહ સ્વીકારવા આવવાના છે.

૧૬ જૂનના રોજ સવારે ૯.૩૦ કલાક સુધીમાં કુલ ૪૭ મૃતદેહ સોંપાયા, એમાં ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, આણંદ, મહીસાગર, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ૧૨મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રજનીશ પટેલે આજે સવારે ૯.૩૦ કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. 

ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે.  

ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news