લો બોલો! અમદાવાદમાં પોલીસ પોતે જ બની ગઈ સાયબર છેતરપિંડીનો શિકાર, કિસ્સો જાણી ચોંકી જશો

Ahmedabad: દેશમાં સાયબર ક્રાઈમમાં ગુનાઓ સતત વધી રહ્યા છે. સાયબર ઠગબાજો અલગ-અલગ રીતે લોકો સાથે છેતરપિંડી આચરે છે. ત્યારે અમદાવાદમાં એક એવો મામલો સામે આવ્યો છે કે, ખુદ પોલીસ જ છેતરપિંડીનો શિકાર બની છે.  

લો બોલો! અમદાવાદમાં પોલીસ પોતે જ બની ગઈ સાયબર છેતરપિંડીનો શિકાર, કિસ્સો જાણી ચોંકી જશો

ઉદય રંજન/અમદાવાદ: આમ તો તમે સાયબર ઠગથી બચજો એવી વાત પોલીસના મોઢેથી સાંભળતા હશો જ પણ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખુદ પોલીસ જ સાયબર એક્સપર્ટ દ્વારા ઠગી લેવાનો કિસ્સો મણિનગર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. ત્યારે પોલીસ સાથે છેતરપિંડી કરનાર સાયબર એક્સપર્ટની મણિનગર પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.  

પોલીસ જ બની છેતરપિંડીનો શિકાર
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ સાથે જ્યારે છેતરપિંડી થાય ત્યારે તે પોલીસને મદદ લેતી હોય છે, પરંતુ પોલીસ જ છેતરપિંડીનો શિકાર બની જાય તો... જી હા... આ જ પ્રકારની એક ઘટના મણીનગરમાં બની છે. ત્યારે અમદાવાદની મણિનગર પોલીસે ઝડપેલા શખ્સનું નામ છે દેવેન્દ્ર પટેલે અને આ શખ્સની ઓળખની વાત કરવામાં આવે તો પોતે સાયબર એક્સપર્ટ છે. આરોપી દેવેન્દ્ર પટેલને સાયબર ક્રાઈમના ગુનામાં પોલીસ સાયબર એક્સપર્ટ તરીકે મદદ માટે અનેક વાર બોલાવી ચુક્યા છે. 

અમદાવાદ શહેરની ઝોન 6 એલસીબીની ટીમે 30મી ડિસેમ્બરના રોજ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમેરિકન નાગરિકને છેતરીને પૈસા પડાવતું એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. જેમાં 32 મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યા હતા અને આ 32 મોબાઈલમાં પૂરાવા એકત્ર કરવા માટે સાયબર એક્સપર્ટ તરીકે આ આરોપી દેવેન્દ્ર પટેલને બોલાવવામાં આવ્યો હતોય ત્યારે આ આપી દેવેન્દ્ર પટેલે ઝોન 6 એએસબીને મૂર્ખ બનાવી હતી. ચાલો આ સમગ્ર મામલો શું હતો તેના વિશે વિગતવાર જાણીએ.

પોલીસ માટે કામ કરતા સાયબર એક્સપર્ટે કરી છેતરપિંડી
ગાંધીનગરના રહેવાસી આ યુવકનું મૂળ કામ આમ તો સાયબર એક્સપર્ટ તરીકેનું છે. જેમાં તે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં કોઈપણ પ્રકારના ગુનામાં પોલીસે જ્યારે તેને મદદની જરૂર પડે ત્યારે તે મદદ પૂરી પાડતો હતો, પરંતુ શેરબજારમાં રોકાણ કરવા માટે અને અન્ય ખર્ચ માટે તેને પૈસાની જરૂર પડતા તેણે પોલીસ સાથે જ અને વિશ્વાસઘાત કરી નાખ્યો હતો. જેના કારણે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. 

ઘટનાની વાત કરીયે તો ઝોન 6 LCBને ગત 30 ડિસેમ્બર 2024ના રોજ દેવેન્દ્ર પટેલે બાતમી આપી હતી કે, બોમ્બે હોટલ બીઆરટીએસ વર્કશોપની પાછળ આવેલ જૈનભ રેસીડેન્સી વિભાગ-2માં રહેતા શેખ અયાજ નામનો યુવક ઘરમાં કાયદેસર રીતે પોતાના ઘરે કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે ઝોન 6 LCBએ દરોડા પાડતા ત્યાંથી 2.41 લાખથી વધુ રોકડ, 33 મોબાઈલ ફોન, લેપટોપ, પાસપોર્ટ પેન ડ્રાઈવ, એટીએમ કાર્ડ, માસ્ટર કાર્ડ અને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે દરોડા દરમિયાન મળી આવેલા મોબાઈલ ફોનની તપાસ માટે સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલની મદદ લેવામાં આવી હતી. બાદમાં પોલીસે તમામ મોબાઈલ FSLમાં મોકલ્યા હતા.

41 લાખની થઈ છેતરપિંડી
પોલીસે રેડ કરી તેના 19 દિવસ બાદ 18 જાન્યુઆરી 2025 ના રોજ મોહમ્મદ અયાદ શેખે લેખિત રજૂઆત કરી હતી કે, તે પોતાના ફોનમાં ફાઇનાન્સ એપ્લિકેશન થકી ટ્રેડિંગ કરવાનું કામ કરે છે અને પોલીસે જ્યારે તેના ઘરે રેડ કરી તે સમયે તેના ફોનમાં 48,300 USDT કરન્સી જમા હતી, જેમાં બીજા દિવસે તેણે પોતાનું ઇમેઇલ આઇડી ચેક કરતા તેમાં તેનું ટ્રેડિંગ એપ્લિકેશન ખાતું બંધ થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું અને તમામ કરન્સી ઉપાડી લેવામાં આવી હોવાની જાણ થઈ હતી. અંદાજે 41 લાખ રૂપિયાની રકમની 48,300 USDT એના ફોનમાંથી ટ્રાન્સફર થઈ જતાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. જેની તપાસમાં પોલીસને જાણ થઈ હતી કે, સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલે આ રકમ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધી છે અને બાદમાં આંગડિયા થકી રોકડ મેળવી અલગ-અલગ જગ્યા ઉપર રોકાણ કરી નાખ્યું છે.

અંતે પોલીસે દેવેન્દ્ર પટેલને બોલાવી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તેણે આ ગુનાની કબૂલાત કરી હતી. જેથી આ સમગ્ર મામલે પોલીસે દેવેન્દ્ર પટેલનો ફોન ચેક કરતા તેમાંથી પણ પુરાવાઓ મળી આવ્યા હતા. આ મામલે મણીનગર પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્ર પટેલ સામે ઝોન 6 LCBના પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી દેવેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. 

પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપીની સાથે ગુનામાં અન્ય એક આરોપી પણ સામેલ છે. ઝડપાયેલા આરોપીએ આ રીતે મેળવેલા 41 લાખમાંથી 30 લાખ રૂપિયા શેરબજારમાં રોકાણ કર્યા છે, જ્યારે અન્ય રૂપિયા જુદી-જુદી જગ્યા પર ખર્ચ કર્યા અથવા તો લેણદારોને ચૂકવ્યા છે. જો કે, તેણે આ રીતે અગાઉ કોઈ પણ કેસમાં પોલીસ સાથે આવા પ્રકારની છેતરપિંડી કરી છે કે કેમ તે બાબતની પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે તેવું પોલીસ અનુમાન છે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news