કપડવંજ પંથકમાં લગ્ન કરવા જતાં એક યુવક છેતરપિંડીનો શિકાર બન્યો છે. અમદાવાદની યુવતી અને અન્ય લોકોએ નાણાં પડાવી ઘરેણા મેળવી લગ્ન કરી છુમંતર થતા સમગ્ર મામલે યુવાને કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઝી બ્યુરો/ખેડા: કપડવંજ તાલુકાના પથોડા ગામે બિહોલાવાસ વિસ્તારમાં 35 વર્ષિય જીતુ ઉર્ફે જીતેન્દ્ર જયંતિભાઇ ચૌહાણ રહે છે. તેઓ અપરણિત હોય યુવતીની શોધમાં હતા. દરમિયાન કપડવંજ તાલુકાના કરસનજીના મુવાડા ગામે રહેતા નટુ બાબર પરમારના સંપર્કમાં આવ્યા હતા. આ નટુએ જીતુ ઉર્ફે જીતેન્દ્રને જણાવ્યું કે મારી સાસરીમાં મુકેશ ભીખાભાઈ ચૌહાણ મૂળ સાબરકાંઠાના બાયડછે. જેમની ભત્રીજી છે જો લગ્ન કરવા હોય તો વાત કરીએ, જોકે જીતુ ઉર્ફે જીતેન્દ્ર લગ્ન કરવા ઈચ્છતા હોય તેમણે હા પાડી હતી.
આ બાદ આ નટુ પરમારે મુકેશ સાથે વાત કરી તમામને ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે નહેરુ ચોકડીએ મીટીંગ કરી હતી. જ્યાં લગ્ન કરવા ઈચ્છતા જીતુ ઉર્ફે જીતેન્દ્ર અને આ મુકેશની ભત્રીજી રશ્મી ઉર્ફે આરતી મુક્તિરામ સાધુ પણ હાજર હતી. આ ઉપરાંત અહીંયા આ રશ્મી ઉર્ફે આરતીનો ભાઈ રવિ પણ હાજાર હતો. આ બાદ જીતુ ઉર્ફે જીતેન્દ્ર અને યુવતી એકબીજાને પસંદ કરતા લગ્નની વાત થઈ હતી. જેમાં આ મુકેશ અને રવિએ લગ્ન કરાવી આપવાના બદલામાં રૂપિયા 90 હજાર થશે અને 90 હજારમાં ડીલ નક્કી થઈ હતી. જેમાં જીતુ ઉર્ફે જીતેન્દ્રના પિતાએ રૂપિયા 55 હજાર રોકડા આપી દીધા હતા અને બીજા લગ્ન બાદનો વાયદો નક્કી થયો હતો.
1 એપ્રિલ 2025ના રોજ લગ્ન નક્કી થયા અને કપડવંજ તાલુકાના ઘડીયા ગામે ફુલહાર વીધી કરી બંનેએ લગ્ન કરી લીધા હતા. આ સમયે વાયદા મુજબના નાણાં પણ યુવકના પિતાએ આપી દીધા હતા. તો બીજી તરફ યુવકના પરિવાર તરફથી સોના, ચાંદીના દાગીના પણ આપવામાં આવ્યા હતા. બાદમાં બીજા દિવસે આ મુકેશે જીતુ ઉર્ફે જીતેન્દ્રને ફોન કરી જણાવેલ કે, રશ્મી ઉર્ફે આરતીની મુકી જાવ અને બે દિવસ પછી તેડી જજો, જેથી મુકેશે જીતુ ઉર્ફે જીતેન્દ્ર પોતાની પત્ની રશ્મી ઉર્ફે આરતીને મુકવા માટે આવ્યો હતો અને બે દિવસ બાદ ફોન કરતા મુકેશે જણાવેલ કે, તે હાલ બીમાર છે તે બાદ આ રશ્મી ઉર્ફે આરતીએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
આથી પાંચ દિવસ બાદ ગામમાં તેડવા જતાં મુકેશ કે રશ્મિ હાજર નહોતા અને તપાસ કરતા આ બંને લોકો બીજી જગ્યાએ રહેતા હોવાની માહિતી મળી હતી. આ ઉપરાંત આ બંને લોકો કાકા ભત્રીજીનો સંબંધ ધરાવતા પણ ના હોવાની અને બંને લોકો લગ્નની લાલચ આપી લોકોને ફસાવતા હોવાની માહિતી મળી હતી. આ વચ્ચે 18 એપ્રિલના રોજ જીતુ ઉર્ફે જીતેન્દ્ર આ રશ્મી ઉર્ફે આરતીને ફોન કરતા તેણે જણાવ્યું કે,'હું તમારા ઘરે આવવાની નથી અને તમારાથી થાય તે કરી લેજો', જેથી જીતુ ઉર્ફે જીતેન્દ્રને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં સમગ્ર બનાવ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કપડવંજ પંથકમાં લગ્ન કરવા જતાં એક યુવક છેતરપિંડીનો શિકાર બન્યો હતો. જે મામલે યુવકે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ રફુચક્કર થયેલી ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધી છે અને અન્ય કોઈ યુવાનને આ રીતે ફસાવ્યો છે કે કેમ તેની વિગતો તપાસવા પોલીસ કામે લાગી છે.
કપડવંજ તાલુકાના પથોડા ગામના 35 વર્ષિય યુવાનને લગ્નની લાલચ આપી યુવતી સહિત 4 લોકોએ શીશામાં ઉતાર્યા હતા અને રૂપિયા 90 હજારમાં સોદો નક્કી કર્યો હતો. બાદમાં યુવાન અને યુવતીના લગ્ન કપડવંજના ઘડીયા ગામે થયા હતા અને લગ્નના બીજા જ દિવસથી યુવતી પિયરમાં આવી ગઈ અને એ બાદ યુવાનનો ફોન ઉપાડવાનુ ટાળ્યું હતું. બીજી તરફ ઉપરોક્ત 90 હજાર રૂપિયા અને લગ્ન સમયે યુવાનના પરિવારજનોએ સોના, ચાંદીના દાગીના આપ્યા હતા તે તમામ મેળવી યુવતી અને લગ્ન કરાવનાર ઈસમો પલાયન થઈ ગયા હતા. યુવાનને કુલ રૂપિયા 1 લાખ 7 હજારનો ચુનો લાગતા સમગ્ર મામલે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે યુવાને ફરિયાદ નોંધાવી હતી.
યુવાને મુકેશ ભીખા ચૌહાણ (રહે.જુનવાડ, આબલીયારા, બાયડ), નટુ બાબર પરમાર (રહે.કરસનજીના મુવાડા, કપડવંજ), રશ્મિ ઉર્ફે આરતી મુક્તિરામ સાધુ (રહે.થુલૂટા, અમદાવાદ) અને રવિ નામાના ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઠગ ટોળકીને ઝડપી લીધી છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.