)
BHARAT VAKHLA VS BACHU KHABAD: બચુ ખાબડના મતવિસ્તાર ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે બચુ ખાબડના પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડની સંડોવણી સામે આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. મનરેગા કૌભાંડને લઈને બચુ ખાબડનો ચોતરફ વિરોધ થઈ રહ્યો છે, અને વિરોધ પક્ષોએ તેમના રાજીનામાની માગણી કરી હતી.
આ ઉપરાંત, દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાંથી બચુ ખાબડને બાકાત રાખવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી કેબિનેટની બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી, જેના કારણે તેમને મંત્રીપદેથી દૂર કરવાની અટકળો તેજ થઈ હતી. આવા સંજોગોમાં ભરત વાખળાને ભાજપમાં લાવવાની કવાયત શરૂ થતાં બચુ ખાબડનું રાજકીય ભાવિ અનિશ્ચિત લાગી રહ્યું છે.
આદિવાસી વિસ્તારોમાં આપ કરતાં કોંગ્રેસનું રાજકીય વજન વધી રહ્યું છે તેમાં રાહુલ ગાંધીના ગુજરાત આગમન બાદ કોંગ્રેસ સક્રિય થયુ છે જેના કારણે ભાજપને ડર પેઠો છે કે, આગામી ચૂંટણીમાં દાહોદમાં ભાજપને નુકશાન થઇ શકે છે તે જોતાં ભાજપે ભરત વાખળાને કેસરિયો ખેસ પહેરાવવા તૈયારીઓ કરી છે. તમને જણાવી દઈએ કે ભરત વાખળા દેવગઢબારિયામાં મંત્રી બચુ ખાબડના કટ્ટર હરીફ રહ્યાં છે. વર્ષ ૨૦૧૭ કોંગ્રેસના ઉમેદવાર અને વર્ષ ૨૦૨૨માં આપના ઉમેદવાર તરીકે મંત્રી બચુ ખાબડ સામે ચૂંટણી લડી ચૂક્યાં છે. બંને ચૂંટણીમાં ભરત વાખળાનો વોટશેર વધ્યો છે. મનરેગા કૌભાંડને કારણે દાહોદ મત વિસ્તારમાં સરકાર વિરોધી વાતાવરણ સર્જાયુ છે જેમાં બચુ ખાબડના કટ્ટર હરીફ ભરત વાખળાની અહમ ભૂમિકા રહી છે.
શું છે ભરત વાખડાનો રાજકીય ઈતિહાસ?
ભરત વાખળા મૂળ કોંગ્રેસના દેવગઢ બારિયાના અગ્રણી નેતા તરીકે ઓળખાતા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને બચુ ખાબડ સામે ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી, પરંતુ તેમણે 33.19 ટકા મતો મેળવ્યા હતા. ત્યારબાદ, 2022ની ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા અને બચુ ખાબડ સામે ઉમેદવારી કરી 35.58 ટકા મતો મેળવ્યા હતા. હવે ભરત વાખડા ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હોવાથી બચુ ખાબડનું રાજકીય પત્તું કપાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.