)
Amul Dairy Elections: અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. અમૂલ ડેરીની ચૂંટણીમાં પક્ષ મેન્ડેટ નહી આપે તો પણ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરનાર ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે 24 કલાકમાં નહી કરીને ભાજપના ઉમેદવારોને જીતાડવા કામગીરી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ફોન બાદ ગોવિંદ પરમારે આદેશનું પાલન કરીને ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
આણંદની અમૂલ ડેરી નિયામક મંડળની 13 બેઠકોની ચૂંટણીમાં 28 ઓગષ્ટ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 20 ઓગષ્ટથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં મંગળવાર સુધીમાં 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
અમૂલ ડેરીની ચૂંટણીમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર મંગળવારે કહ્યું હતું કે, ભાજપ મેન્ડેટ નહી આપે તો તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાથી ભ્રષ્ટાચારને રોકવા તેઓ ચૂંટણીમાં ઝંપલાવશે. અમૂલ ડેરીની ગત ચૂંટણીમાં ગોવિંદ પરમાર માત્ર બે મતે હારી ગયા હતા. પરંતુ આ વખતે તેઓની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો. જો કે, આ નિવેદન આપ્યાના 24 કલાકમાં જ ગોવિંદ પરમારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
અમૂલ ડેરીની ચૂંટણીના ભાજપના ઈન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, “ગોવિંદભાઈ પરમાર સાથે પક્ષના મેસેજનું સંકલન કરવામાં થોડો વિલંબ થયો પરંતુ તેમની સાથે યોગેશ પટેલ અને હું મળ્યા હતા. ગોવિંદભાઈએ પક્ષના હિતમાં ઉમેદવારી પાછી ખેંચી અને હવે 12 બેઠકો પર ભાજપને જીતાડવા માટે સંપૂર્ણ મહેનત કરશે.” આણંદ બેઠક પર કાંતિ સોઢા પરમારને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેની પસંદગી પક્ષની આંતરિક રણનીતિનો ભાગ માનવામાં આવે છે.
અમૂલ ચૂંટણીનું રાજકીય મહત્ત્વ
અમૂલ ડેરી શ્વેત ક્રાંતિનું પ્રતીક છે, તેની નિયામક મંડળની ચૂંટણી ગુજરાતના સહકારી ક્ષેત્રમાં સત્તાનું કેન્દ્ર ગણાય છે. 2020ની ચૂંટણીમાં ભાજપે 7 અને કોંગ્રેસે 5 બેઠકો જીતી હતી, પરંતુ હાઈકોર્ટે નિમણૂક રદ કરતાં ફરીથી ચૂંટણીની સ્થિતિ ઊભી થઈ હતી. આ વખતે ભાજપે સમાધાનની ફોર્મ્યુલા અપનાવીને 7 બેઠકો પોતાને અને 5 બેઠકો કોંગ્રેસને આપવાની વ્યૂહરચના ઘડી હોવાની ચર્ચા છે, જેમાં ભાજપને ચેરમેન અને કોંગ્રેસને વાઈસ ચેરમેન પદ મળે તેવી શક્યતા છે.
આ ચૂંટણીમાં ખેડા અને મહીસાગર જિલ્લાના સહકારી નેતાઓની ભૂમિકા નિર્ણાયક રહેશે. ખાસ કરીને 16 વર્ષ સુધી અમૂલના ચેરમેન રહેલા રામસિંહ પરમારના સમર્થકો ભાજપની પેનલને પડકારવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે, જે ભાજપ માટે પડકારરૂપ બની શકે છે. જો કે, ગોવિંદ પરમારની ઉમેદવારી પાછી ખેંચાવીને ભાજપે આંતરિક વિવાદ ટાળવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.