)
Mehsana News : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા 15 વર્ષ બાદ કડીની મુલાકાતે આવ્યા હતા. AHPના વડાએ સભા ગજવતાં રાજકારણ ગરમાયું છે. તેમણે અહીં હિન્દુઓને એક સૂત્ર આપ્યું કે, તીન બચ્ચે હિન્દુ સચ્ચે. રામમંદિર 8 કરોડ હિન્દુના પસીનાથી બન્યું, દરેકે સવા રૂપિયાનું યોગદાન આપ્યું.
15 વર્ષ બાદ કડી આવેલા ડો.પ્રવીણ તોગડિયાએ કાર્યકર્તાઓ સાથે સંવાત કર્યો હતો. તેમણે કાર્યક્રમમાં તીન બચ્ચે હિન્દુ સચ્ચેનો નારો આપ્યો હતો. કડીમાં તેમણે સભા ગજવી હતી. તોગડિયાએ હિન્દુઓના રોજગાર અને નોકરી માટે પણ હિન્દુઓને પ્રાથમિકતા આપવાની વાત કરી. દરમિયાન તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની નવી ટીમની ઘોષણા પણ કરી હતી, જે હિન્દુ એકતાના મિશનને આગળ વધારશે. જ્યાં રામ મંદિર આંદોલનથી જોડાયેલા પોતાના અનુભવો અને હિન્દુ એકતાના મહત્ત્વ પર ભાર મૂક્યો.
હિન્દુઓની ઘટી રહેલી વસ્તી અંગે તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે અને આ બહુમત જાળવવા માટે અમુક કડક નિયમો લાવવાની જરૂર છે. તેમણે સૂચન કર્યું કે જેઓ બે કે તેથી વધુ બાળકો ધરાવે છે તેમને રેશનકાર્ડ, સરકારી સ્કૂલમાં પ્રવેશ અને સરકારી હોસ્પિટલની સેવાઓ ન મળે.
તેમણે આગળ કહ્યું કે, રામ મંદિર માટે 1984થી શરૂ થયેલા આંદોલન દરમિયાન લાખો હિન્દુઓને જાગ્રત કરવામાં આવ્યા હતા. 1989માં ચાર લાખ ગામમાં ઇંટ પૂજન યોજાયું હતું, જે રામ મંદિર નિર્માણ માટેનો મજબૂત આધાર બન્યું. તેમણે ઉમેર્યું, આ મંદિર 8 કરોડ હિન્દુઓના પસીનાથી બનેલું છે. દરેક હિન્દુએ સવા રૂપિયાનો યોગદાન આપ્યું હતું, જે માત્ર રકમ નહીં, પરંતુ ધર્મયુદ્ધમાં સહભાગી થવાનું નિમંત્રણ હતું.