વિશ્વ મહિલા દિવસ : ચોંકાવનારો ખુલાસો, છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી 13,574 મહિલાઓ ગૂમ

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. મહિલાઓના સશક્તિકરણ અને તેને પુરુષ સમોવડી બનાવવા માટે અનેક ભાષણો અપાય છે. પરંતુ એક સત્ય એ પણ છે કે મહિલાઓ આજના સમયમાં કેટલી સુરક્ષિત છે તે આપણે સહુ જાણીએ છીએ.

  • વર્ષ 2016 અને 2017માં કુલ 13,574 મહિલાઓ ગૂમ થઈ જેમાંથી 10,479 મહિલાઓ પરત ફરી
  • રાજ્યકક્ષાના ગૃહમંત્રીનું કહેવું છે કે મોટાભાગના કિસ્સામાં પ્રેમ પ્રકરણના કારણે મહિલાઓ ગૂમ
  • સૌથી વધુ અમદાવાદ અને સૌથી ઓછી ડાંગમાં મહિલાઓ ગૂમ થઈ

Trending Photos

વિશ્વ મહિલા દિવસ : ચોંકાવનારો ખુલાસો, છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી 13,574 મહિલાઓ ગૂમ

અમદાવાદ: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. મહિલાઓના સશક્તિકરણ અને તેને પુરુષ સમોવડી બનાવવા માટે અનેક ભાષણો અપાય છે. પરંતુ એક સત્ય એ પણ છે કે મહિલાઓ આજના સમયમાં કેટલી સુરક્ષિત છે તે આપણે સહુ જાણીએ છીએ. અવારનવાર મહિલાઓના ગૂમ થવા અંગે, તેમના પર અપરંપાર અત્યાચાર અને દુષ્કર્મના અહેવાલ આવે છે. ત્યારે એ સૌથી વધુ મહત્વનું છે કે મહિલાઓની સુરક્ષા માટે સમાજ, દેશ અને વિશ્વમાં શું પ્રયત્નો થાય છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઓ ચાલી રહી છે ત્યારે જ એક એવા અહેવાલ આવ્યા છે જે બધાને ચોંકાવી નાખે તેમ છે. ગુજરાત વિધાનસભામાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલી મહિલાઓ ગૂમ થઈ છે તે અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યાં જે જાણીને પગ નીચેથી જમીન સરકી જાય. છેલ્લા બે વર્ષમાં 13,574 મહિલાઓ ગુમ થઈ હોવાનો આંકડો સામે આવ્યો છે. જો કે તેમાંથી 10,479 મહિલાઓ હેમખેમ પાછી ફરી હતી., જ્યારે 3095 મહિલાઓનો તો આજ સુધી કોઈ પત્તો નથી. વિધાનસભામાં વિપક્ષ દ્વારા જિલ્લાવાર કેટલી મહિલાઓ ગૂમ થઈ અને પરત આવી તે અંગે સવાલો કર્યા હતાં. આ દરમિયાન આ તમામ વિગતો બહાર આવવા પામી છે.

મહિલાઓ ગૂમ થવામાં કયો જિલ્લો મોખરે?
આંકડાઓ મુજબ મહિલાઓ ગૂમ થવામાં અમદાવાદ જિલ્લો મોખરે છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાંથી જ 2908 મહિલાઓ ગૂમ થઈ હતી. જ્યારે બીજો નંબર સુરતનો આવે છે. જ્યાં છેલ્લા બે વર્ષમાં 2626 મહિલાઓ ગૂમ થયું હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજા નંબરે રંગીલુ રાજકોટ આવે છે જ્યાં 1177 મહિલાઓના ગૂમ થયાની માહિતી છે.

સૌથી ઓછી મહિલાઓ ક્યાં ગૂમ થઈ?
માહિતી મુજબ ડાંગ જિલ્લામાં સૌથી ઓછી મહિલાઓ એટલે કે 10 મહિલાઓ ગૂમ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર જિલ્લામાં 630 મહિલાઓ ગૂમ થઈ હતી. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાંથી કુલ 2772 મહિલાઓ પરત આવી હતી.

90 ટકા કિસ્સાઓમાં પ્રેમ પ્રકરણના કારણે મહિલાઓ ગૂમ થાય છે-રાજ્યકક્ષાના ગૃહમંત્રી
આ પ્રશ્નોની ચર્ચા ચાલતી હતી ત્યારે રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે 90 ટકા કિસ્સાઓ એવા હોય છે જેમાં મહિલાઓ પ્રેમ પ્રકરણના કારણે ગૂમ થાય છે. આ ઉપરાંત કૌટુંબિક કલેહ, અભ્યાસ વગેરે મુદ્દે પણ ગૂમ થવાના બનાવો બનતા હોય છે. સરકારે એમ પણ કહ્યું કે મોટા ભાગના કિસ્સામાં 15થી 18 વર્ષની વયે ગૂમ થવાના કિસ્સા સામે આવે છે.

મહિલાઓને શોધવા માટે શું કામગીરી કરે છે સરકાર?
રાજય સરકાર ગૃહ વિભાગ દ્વારા વિધાનસભામાં જણાવાયું હતું કે પોલીસ ફરિયાદ થયા બાદ ગુમ થયેલી મહિલાઓને શોધવા માટે તમામ પ્રયત્નો હાથ ધરાય છે. તમામ જિલ્લાઓમાં તસવીરો અને ગૂમ થયેલી મહિલાના વર્ણનની માહિતી મોકલાય છે.ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત તસવીરો સાથે માહિતી અપલોડ કરાય છે.

જિલ્લાવાર મહિલાઓના ગૂમ થયાની આંકડાકીય માહિતી
   
ડિસેમ્બર 2017 સુધીની માહિતી(કુલ બે વર્ષની આંકડાકીય માહિતી)
   
   
જિલ્લો ગૂમ થયેલી મહિલાઓ
   
અમદાવાદ 2908
સુરત 2626
રાજકોટ 1177
મહેસાણા 873
વડોદરા 858
ગાંધીનગર 630
આણંદ 559
કચ્છ 387
બનાસકાંઠા 363
સાબરકાંઠા 334
ભરૂચ 308
ખેડા 285
જામનગર 260
વલસાડ 256
પાટણ 216
અરવલ્લી 149
મોરબી 149
પંચમહાલ 135
સુરેન્દ્રનગર 125
દેવભૂમિ દ્વારકા 124
ભાવનગર 122
અમરેલી 106
બોટાદ 101
મહિસાગર 98
જૂનાગઢ 86
નવસારી 84
પોરબંદર 69
દાહોદ 54
છોટા ઉદેપુર 42
ગીર સોમનાથ  34
તાપી  30
નર્મદા 16
ડાંગ 10
   
કુલ ગૂમ થયેલી મહિલાઓ 13574
   

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news