)
Gujarat Weather Forecast : નવરાત્રિના બાકી રહેલા નોરતે પર વરસાદનું જોખમ મંડરાઈ રહ્યું છે. આજથી દશેરા સુધી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં મધરાતે ગરબા ટાંણે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ ફૂંકાયો હતો.
વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો હતો. રાત્રે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. ગરબાની રમઝટ વચ્ચે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ચાનક વરસાદ શરૂ થતા ગરબા ગ્રાઉન્ડ પર દોડધામ મચી હતી. ગરબા રમતા ખેલૈયાઓ માટે વરસાદ વિલન બન્યો હતો. ક્યાંક વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. વલસાડ, ધરમપુર, કપરાડામાં પણ વરસાદ જોવા મળ્યો. તો ક્યાંક વરસતા વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. તો રહેણાંક વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં શેરી ગરબામાં વરસતા વરસાદમાં પણ ગરબાની રમઝટ જોવા મળી હતી. કપરાડામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. વાપીમાં વરસાદને લઈને ગરબા આયોજકો પર ચિંતાના વાદળો મંડરાયા હતા.
વલસાડ શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પડવાની તથા વિચ તારો તૂટવાની ઘટના સામે આવી હતી. વીજ તૂટવાના કારણે વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ થયો હતો. જો વાત કરવામાં આવે તો વલસાડમાં ગરબા રમવા પહોંચેલા ખેલૈયા ઓ પણ વરસાદના કારણે અટવાયા હતા. વરસાદ પડવાના કારણે ગરબા સ્થળ ઉપર વીજ પ્રવાહ બંધ થયો હતો.

ગરબા મહોત્સવમાં વીજળી પડી
વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ પાર્ટી પ્લોટમાં બની બે મોટી ઘટના બની હતી. તડકેશ્વર ખાતે આયોજીત ગરબામાં મહોત્સવમાં સ્ટેજ તૂટ્યો હતો. સ્ટેજ તૂટવાનો વીડિયો સામે આવ્યો હતો. તો બીજી બાજુ તડકેશ્વર ખાતે પાર્ટી પ્લોટમાં એક મજૂર પર વીજળી પડી હતી. મજૂરો વરસાદથી બચવા પતરાના શેડ ખાતે ઉભા હતા તે સમયે આ ઘટના બની હતી. વીજળી પડવાના કારણે મજૂર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નવસારીના આદિવાસી પંથકમાં રાતે વાવાઝોડાએ વિનાશ વેર્યો
નવસારીના વાંસદા તાલુકાના સીણધઈ ગામના હોલીમોરા અને દૂતાળા આંબા ફળિયામાં વાવાઝોડા જેવા પવનથી મોટું નુકસાન થયું હતું. વાવાઝોડા સાથે વરસાદ વરસતા રસ્તા પર વૃક્ષો ધરાશાયી, જ્યારે ઘરોના પતરા પણ ઉડ્યા હતા. વાવાઝોડા બાદ વાંસદા માર્ગ મકાન વિભાગ સહિતના વિભાગો કામે લાગ્યા. માર્ગ મકાન વિભાગે રાત્રે જ રસ્તા પર પડેલા વૃક્ષો કટર વડે કાપી, JCB મશીનની મદદથી હટાવાયા હતા. ગામમાં વાવાઝોડાને કારણે બંધ થયેલા રસ્તાઓ તાત્કાલિક ખોલી જનજીવન થાળે પાડવાનો પ્રયાસ કરાયો.
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. નવરાત્રિના છઠ્ઠા નોરતે મેઘરાજા ધોધમાર વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયા છે. ચાલુ ગરબાએ વરસાદ શરૂ થતાં લોકોએ વરસાદમાં પણ ગરબા રમવાની મોજ માણી હતી. પરંતુ ધીમેધીમે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ લાઈટ ગૂલ થઈ હતી. તો તડકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ પાર્ટી પ્લોટમાં એક વિશાળ સ્ટેજ ધરાશાયી થઈ ગયો હતો. તો વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પડવાની તથા વીજ વાયરો તૂટવાની પણ ઘટના સામે આવી છે.
જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે નવસારીના ચીખલી તેમજ વાંસદા તાલુકાના અનેક ગામડાઓમાં તારાજી સર્જાય છે જેમાં ચીખલી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પતરા ઉડી ગયા હતા સાથે જ આ ગોડાઉન ની દિવાલ પણ ધરાશાય થઈ ગઈ હતી જેના કારણે ગોડાઉનમાં મૂકેલું ઘઉં અને ચોખાનો 277 ટનથી વધુ નો જથ્થો વરસાદના પારણીમાં પલળી રહ્યો છે સમગ્ર ઘટના ને લઈને ચીખલી પ્રાંત મામલતદાર સહિતના અધિકારીઓએ વિઝીટ કરી હતી બીજી તરફ પુરવઠા અધિકારીએ ફક્ત ટેલિફોનિક માહિતી મેળવી હતી સમગ્ર ઘટનામાં હજી સુધી આ પલળતું અનાજ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ નથી પરંતુ ગોડાઉન મેનેજર દ્વારા આ અનાજના જથ્થાને ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાની માહિતી આપવામાં આવી હતી.