Gujarat Weather Update : આજથી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી,,, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના,, આજે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યભરમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ... રાજ્યમાં આજે હળવાથી ભારે વરસાદની આગાહી....

Weather Forecast : ગુજરાતમાં મોડી રાતથી એકાએક હવામાનનો મિજાજ બદલાયો છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ છે. તો ગરમીથી લોકોને રાહત મળી છે.
આજે ક્યાં ક્યાં આવશે વરસાદ
હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સવારે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ પડી શકે છે. તો અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ આવશે. ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આજથી ગુજરાતમાં 41થી 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ પડવાની હવામાનની આગાહી છે.
આખા ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટ
આજે રાજ્યભરમાં વરસાદને લઈને ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 7 થી 10 વાગે સુધી રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી છે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ કરાયું છે. જેમાં 41 થી 61 kmph ની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા છે. 5-15 mm/hr છુટાછવાયા વરસાદની આગાહી છે. તો દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.
અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો
આગાહી મુજબ અમદાવાદ સહિત આખા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાતથી અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છે. થલતેજ અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા ભીંજાયા અને પાણીના ખાબોચિયા ભરાયા છે.
8 મે સુધી આગાહી
8 મે સુધી રાજ્યમાં પ્રિમોન્સૂન વરસાદની આગાહી છે. 5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો 7અને 8 મેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ સહીત રાજ્યમાં છૂટાછવાયો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. તો દક્ષિણ પૂર્વ માં સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થતા વરસાદી માહોલ છવાયો છે.
અમદાવાદમાં વરસાદ આવ્યો
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. કાળાડિબાંગ વાદળોથી અમદાવાદનું આકાશ ઘેરાયું છે. એસજી હાઈવે, રીંગ રોડમાં વાતાવરણ પલટો આવ્યો છે. સીજી રોડ, ગુરુકુળ, નરોડામાં વાતાવરણ પલટો જોવા મળ્યો. ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે.
પાટણમાં વરસાદ
પાટણ જિલ્લાના વાતવરણમાં મોટો પલટો આવ્યો છે. પાટણ, સિદ્ધપુર, હારીજ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી રીહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં અસર જોવા મળી છે.
મહેસાણામાં કમોસમી માવઠું
મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. મોડી રાત્રે 2.30 વાગે મહેસાણાના જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વરસાદ નોંધાયો છે. વડનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો.
સાબરકાંઠા પણ વરસાદ
જિલ્લામાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. હિંમતનગર, ઇડર,વડાલી,ખેડબ્રહ્મા અને વિજયનગરમાં રાત્રી દરમિયાન ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ આવ્યો.
અરવલ્લીના વાતાવરણ આવ્યો પલટો
ભર ઉનાળે ગાજવીજ સાથે અરવલ્લીમાં કમોસમી વરસાદ આવ્યો. માલપુર, મેઘરજ, મોડાસા સહિત અન્ય તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધી છે. બાજરી, જુવાર સહિતના પાકને નુકસાન થઈ શકે છે. જોકે, બીજી તરફ વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી છે. ઠંડક પ્રસરતા લોકોને ગરમી માંથી આંશિક રાહત થઈ છે.
પંચમહાલમાં ગાજવીજ સાથે આવ્યો વરસાદ
પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પરના ખાબોચિયા પણ ભરાયા છે. છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. માવઠાને પગલે લગ્ન સહિતના પ્રસંગના આયોજકોમાં ભારે ચિંતા પ્રસરી છે. તો અચાનક આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. મકાઈ અને બાજરીનો લણેલો પાક નુકસાન પામે તેવી સ્થિતિ ઉભી થઈ છે.