)
Ahmedabad News : હવે ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદને અનેક જિલ્લાઓને એલર્ટ કરાયા છે. ત્યારે હવે ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાયા છે. આજે ગરબા થશે કે નહિ તે મોટું ટેન્શન ખેલૈયાઓને સતાવી રહ્યું છે.
રવિવારે વરસાદની ખલેલ પડશે
આજે રવિવારનો દિવસ છે અને સામાન્ય રીતે રવિવારે નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે જોડાતા હોય છે. પરંતુ ભારે વરસાદના કારણે આજના દિવસના આયોજન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આયોજકો હવે પંડાલમાં પાણી ન ભરાઈ અને સ્ટેજ તથા સાઉન્ડ સિસ્ટમને નુકસાન ન થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ખેલૈયાઓ પણ માહોલ સ્વચ્છ અને રમવાલાયક બને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અમદાવાદમાં ધમાકેદાર વરસાદનું આગમન....
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. જીવરાજપાર્ક, વેજલપુર, વાસણા, સેટેલાઈટ, શિવરંજની, એસજી હાઈવે, બોપલ, ઘુમા, થલતેજ, વસ્ત્રાપુરમાં વરસાદ તૂટી પડ્યો છે. વરસાદ આવતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે. ગરબાની તૈયારી કરતા ખેલૈયાઓ થયા નિરાશ થયા છે.
વડોદરામાં ગરબા કેન્સલ
ડભોઇમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને આજે ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા આજે ગરબા બંધ રહેશે. APMC મેદાન ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 હજારથી વધારે ખેલૈયાઓ APMC મેદાનમાં ગરબા રમે છે. ત્યારે આજે ગરબા બંધ રહેતા ખેલૈયાઓ નિરાશ થયા છે.
સુરતમાં ગરબા આયોજકોને મુશ્કેલી વધી
શહેરમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદે નવરાત્રી ઉત્સવના આયોજકો અને ખેલૈયાઓની મુશ્કેલી વધારી દીધી છે. હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ગરબાના રંગમાં ભંગ પડવાની પૂરેપૂરી સંભાવના છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખુલ્લા નવરાત્રીના પંડાલ વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા છે. ખાસ કરીને, લીંબાયત વિસ્તારમાં આવેલા ઝણકાર નવરાત્રી પંડાલમાં પાણી ભરવાની શરૂઆત થઈ જવાના કારણે આયોજકોની ચિંતા વધી છે. પંડાલના પરિસરમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો છે. અને જો વરસાદ આ જ રીતેે ચાલુ રહેશે તો અનેક પંડાલમાં પાણી ભરાવવાની સંભાવના છે.
વલસાડમાં સ્ટેજને નુકસાન થયું
વલસાડ જિલ્લામાં ગઈકાલે રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાત્રે મેઘરાજાએ ગરબાની મજા બગાડી હતી. અનેક જગ્યાએ સ્ટેજને નુકસાન થયું હતું. ક્યાંક મંડપ ઊડ્યા હતા અને ખુરશી સહિત ના સામાન પણ અસ્ત વ્યસ્ત થઈ ગયો હતો. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે વાપીમાં ગરબા ગ્રાઉન્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા દેખાય છે. આથી ગઈકાલે લગભગ તમામ ગરબા આયોજનો અધવચ્ચે જ અટકાવવા પડ્યા હતા. અને આજે પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ આજે રાત્રે પણ ગરબા ગ્રાઉન્ડમાં ગરબાના આયોજન થશે કે કેમ તેને લઈને પણ સવાલ છે.
હવામાન વિભાગની આગાહી
આગમી બે દિવસ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે. હવમાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ અલર્ટ સાથે સુરત, વલસાડ અને, નવસારીમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, દમણ અને દાદર નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે અતી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, દાહોદ, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ અલર્ટ સાથે અત્યન્ત ભારે વરસાદ રહેશે. રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. વલસાડ અને 144.6 mm ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં સૌથી વધુ વરસાદ રહ્યો.
વલસાડ જિલ્લામાં ગઇ રાત થી જ વરસાદની હેલી જામી છે.. આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જોકે જિલ્લાના ઉપરવાસ કપરાડામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.રાત થી વરસી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. આથી ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અને ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.મહત્વપૂર્ણ છે કે મધુબેન ડેમમાંથી સતત પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. દમણગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વલસાડના વાપી અને સંઘ પ્રદેશ દમણ માંથી પસાર વહે છે .આથી નદી કિનારાના બંને તરફના ગામો ને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. હજુ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે..
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ દસ્તક દીધી. જેમાં ગત રાત્રે વરસેલા વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો. ભારે પવન ફૂંકાતા ગરબાનો સ્ટેજ પણ ધરાશાયી થયો. બીજી તરફ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની. મોટી સરોણ ખાતે 100 વર્ષ જૂનું વડનું વૃક્ષ ધરાશાયી થયું. જેના લીધે બે ઘરને નુકસાન થયું. તો આ તરફ ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યો. ડાંગરનો ઉભો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા.
નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. જો કે, ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા. આ તરફ તલાવચોરા ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જેમાં પતરું ઉડીને માથા પર લાગતા મહિલા ઈજાગ્રસ્ત થઈ. તો ચીખલીમાં પણ તોફાની વાવાઝોડાએ વિનાશ વિખેર્યો. જેમાં કન્યા શાળાના પ્રાર્થના સભાના પતરાં ઉડી ગયા. સાથે જ સરકારી ગોડાઉનની દીવાલ ધરાશાયી થતા ઘઉં, ચોખાનો મસમોટો જથ્થો પલળી ગયો. ચીખલી તાલુકાના 15 ગામોને વાવાઝોડાની અસર થઈ. વીજ પૂરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો હાલ ચાલુ છે. બીજી તરફ વાવાઝોડાથી પ્રભાવિત ગામોની ધારાસભ્ય નરેશ પટેલે મુલાકાત લીધી..અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.