)
રાજકોટઃ રાજકોટ ભાજપમાં ચાલી રહેલા જૂથવાદની નોંધ પાર્ટી હાઈ કમાન્ડે પણ લીધી છે. રાજકોટ ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જૂના નેતાઓને સાઇડલાઇન કરવાની ઘટનાઓ સામે આવી રહી હતી. આ વચ્ચે ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પહોંચતા નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
રાજકોટના રાજકારણમાં ગત વિધાનસભાની ચૂંટણી બાદ ઘણા ફેરફારો જોવા મળ્યા હતા. પાર્ટીના જૂના નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. સ્થાનિક નેતાઓ દ્વારા થઈ રહેલી અવગણનાનો મુદ્દો ભાજપ હાઈ કમાન્ડ સુધી પહોંચ્યો હતો. ત્યારે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને સક્રિય કરવાનો આદેશ સ્થાનિક આગેવાનોને આપવામાં આવ્યો છે.
સંગઠન દ્વારા ઉપેક્ષા
રાજકોટ ભાજપ સંગઠન દ્વારા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની અવગણના કરવામાં આવતી હતી. પરંતુ તાજેતરમાં રૈયાણીને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને ફરી રાજકારણમાં સક્રિય થવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અને રૈયાણી પાટિલને પણ મળ્યા હતા. સામે આવેલી વિગત મુજબ પાટિલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખને ફોન કરી તમામ કાર્યક્રમોની જાણ રૈયાણીને કરવાની સૂચના આપી હતી.
હાર્ટી હાઈકમાન્ડના આદેશ બાદ ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં રૈયાણી પહોંચ્યા હતા. બુધવારે ભાજપના ગણેશ મહોત્સવમાં રૈયાણીની હાજરીએ શહેર ભાજપમાં નવી ચર્ચા જગાવી છે. હવે આગામી પાર્ટીના કાર્યક્રમોમાં પણ રૈયાણી હાજર રહેશે. વિસાવદરની પેટાચૂંટણીમાં હાર બાદ રાજ્યના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રીઓ ગોવિંદ પટેલ અને રૈયાણી પાસે હાલમાં કોઈ પદ નથી. પરંતુ ભાજપ ફરી બંનેને સક્રિય કરવા ઈચ્છે છે.