પાર્સલ આપવા ગયેલા 3 ડિલીવરી બોય આગમાં ભડથુ થયા, રાજકોટની આગમાં ડિલિવરી બોયને મોત પોકારતું હતું!

Fire Break Out In Atlantis Building Of Rajkot : રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગની આગમાં સ્વિગીના ડિલિવરીમેન... બે પિતરાઈ ભાઈ સહિત 3નાં મોત... આગ ફ્લેટમાં ત્રણેય મૃતક બહારના

પાર્સલ આપવા ગયેલા 3 ડિલીવરી બોય આગમાં ભડથુ થયા, રાજકોટની આગમાં ડિલિવરી બોયને મોત પોકારતું હતું!

Rajkot Fire News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં ધુળેટીના દિવસે આગની ઘટનામાં ત્રણ લોકો ભડથું થયા હતા. રાજકોટના પોષ વિસ્તાર એવા 150 ફૂટ રોડ પર આવેલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં છઠ્ઠા માળ પર આગ લાગી હતી. આગમાં 60 જેટલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે એક વિદ્યાર્થી સહિત ત્રણ ડિલિવરી બોયનું મોત થયું હતું. જ્યારે 1 યુવતી આગમાં દાઝી જવાનું સામે આવ્યું હતું.

  • રાજકોટમાં આગની દુર્ઘટના, ત્રણના મોત..
  • સ્વીગી અને બલિંક ઇટ કંપનીના ડિલિવરી બોય સહિત ત્રણના મોત..
  • ફર્નિચરનું કામ ચાલુ હતું તે ફ્લેટમાં શોર્ટ સર્કિટ થતા લાગી હતી આગ..

આજે (14 માર્ચે) ધુળેટીના દિવેસ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગની ઘટના સામે આવી હતી. જેમાં સ્વીગી કંપનીના ડિલિવરી બોય અજયભાઇ મકવાણા તથા બ્લિંક ઇટ કંપનીના ડિલિવરી બોય કલ્પેશભાઈ લેવા અને તેનો પિતરાઈ ભાઈ મયુરભાઈનું મોત થયું હતું. સ્થાનિકોને કહેવા મુજબ, બિલ્ડિંગના છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું. આજે રજાને કારણે ફ્લેટ બંધ હતો. જેમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગની ઘટના બનતા દોડધામ મચી ગઇ હતી. જેમાં લિફ્ટમાં જેટલા લોકો નીચે ઉતરી ગયા હતા તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સાતમા માળથી 12મા માળ સુધીના લોકો ફ્લેટમાં જ ફસાઈ ગયા હતા. જેનાનું ફાયર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારાયા હતા. 

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 10 મહિનામાં આ બીજો અગ્નિકાંડ થયો છે. આ વખતે જે એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડ થયો છે તેમાં નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર રહે છે. જોકે નવાઈની વાત એ છે કે, સ્વીગી કંપની અને બ્લિંક ઇટ કંપનીના પાર્સલ આપવા ગયેલા ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ફ્લેટ ધારકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં ઘરકામ કરવા આવેલી 15 વર્ષીય કવિતા દરજી દાઝી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં સારવાર માટે ખસેડી હતી

આગની ઘટનાની જાણ થતાં જ ભાજપના નેતાઓ દોડી ગયા હતા. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ડો. દર્શીતા શાહ અને ધારાસભ્ય રમેશ ટીલારા દોડી આવ્યા હતા. આગ મોટી હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને આખો વિસ્તાર કોર્ડન કરી બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં મૃતક અજયભાઇ ખીમજીભાઈ મકવાણા (ઉ.વ.31) રાજકોટના કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે આવેલ વીરસાવરકરનગરમાં રહે હતા અને સ્વિગીમાં નોકરી કરતા હતા. તેઓ દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં આઠમા માળે ફૂડ પાર્સલ ડિલિવરી કરવા ગયાને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું. મૃતક અજયભાઈને સંતાનમાં એક 3.5 વર્ષની દીકરી છે જેનું નામ દિશા છે અને પરિવારમાં તે બે ભાઈમાં મોટા હતા. પત્નીને મોતની જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં કરુણાંતિકા સર્જાય હતી. જ્યારે મૃતક કલ્પેશ પીઠાભાઈ લેવા બ્લિંક ઇટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા હતા. તેનો પરિવાર ઉના તાલુકાના વિસવાડા ગામે રહે છે. કલ્પેશનો પિતરાઈ ભાઈ મયુર દિનુભાઈ લેવા આજે અભ્યાસમાં રજા હોવાથી તેની સાથે ડિલિવરી આપવા માટે ગયો હતો. કલ્પેશ અમે મયુર બન્ને પિતરાઈ ભાઈ છે અને તે પીજીમાં રહેતા હતા. જ્યારે મૃતક મયુર કોલેજમાં અભ્યાસ કરતો હતો. કલ્પેશ લેવાના 1 મહિના પહેલા જ લગ્ન થયા હતા

અજય મકવાણાના મોતની ઘટનાની જાણ થતાં પત્ની સહિત પરિવાર તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પતિના સમાચાર સાંભળીને પત્ની ભાંગી પડી હતી. પત્નીએ રડતા રડતા કહ્યું કે મેં આજે તહેવાર માટે રજા રાખવાનું કહ્યું હતું પરંતુ તેઓએ રજા ન રાખી અને બપોરે આવી જઈશ સાથે જમીશું એમ કહ્યું હતું. મને ક્યાં ખબર હતી કે તેમની બપોર આવી હશે.

રાજકોટ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગવાની જાણ થતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. આગ લાગવાના કારણે કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી 3 લોકોના મોત નિપજ્યા છે જયારે એક વ્યક્તિ સારવાર હેઠળ છે અને એક વ્યક્તિ ને ઓછી ઇજા હોવાથી સારવાર આપી તેને ડામા કરવામાં આવેલ છે. મૃતક 3 લોકોમાં અજયભાઇ મકવાણા, કલ્પેશભાઈ લેવા અને મયુરભાઈ લેવા હોવાનું સામે આવ્યું છે. મૃતક અજયભાઇ સ્વિગીમાં ડીલેવરી બોય તરીકે જયારે કલ્પેશભાઈ અને મયુરભાઈ બ્લિન્કીટ કંપનીમાં કામ કરતા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ સોટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે FSL તેમજ PGVCL ની મદદ લેવામાં આવી છે. માલવીયાનગર પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ મામલે તપાસ કરવામાં આવશે તેમજ આ બિલ્ડિંગમાં ફાયર NOC હતું કે કેમ BU પરમિશન હતું કે કેમ સહિતની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે તમામ ત્રણેય મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલ્ડિંગના CCTV કેમેરાના ફૂટેજ પોલીસ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. આગ લાગવા પાછળ શું કારણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ફરી આગની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. આગની ઘટનામાં મોત થયા તે લોકો ડિલિવરી બોય ડિલિવરી કરવા માટે આવ્યા હતા. આગ લાગતા જ ફ્લેટ ધારકો દરવાજા બંધ કરી ફ્લેટમાં જતા રહ્યા હતા જ્યારે ડિલિવરી બોય સીડી થી પોતાનો જીવ બચાવવા નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ગૂંગળામણ થી બેભાન થઈ ગયા હતા અને દાઝી જતા મોત થયા હોવાનું સામે આવ્યું છે. જોકે ફ્લેટધારકોને ફાયર બ્રિગેડે બચાવી લીધા હતા. કરોડો રૂપિયાના ફ્લેટ હોવા છતાં ફાયર એક્ઝિટ ન હોવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું. લિફ્ટ વીજ કનેક્શન બંધ હતા બંધ થઈ ગઈ હતી. જ્યારે આગે વિકરાળ સ્વરૂપ પકડી લેતા સીડીનો રસ્તો બંધ થઈ ગયો હતો. પોલીસ તપાસમાં આગનું શું કારણ સામે આવે છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news