કચ્છીઓની 22 વર્ષની તપસ્યા ફળી, આખરે આજે શરૂ થઈ ભુજ-રાજકોટ ટ્રેન
Bhuj Rajkot Train : આજથી ભુજ રાજકોટ વચ્ચે ટ્રેનનો પ્રારંભ... 22 વર્ષ બાદ ભુજ રાજકોટ વચ્ચે ટ્રેનથી કનેક્ટીવીટી... વેપારીઓ માટે આ ટ્રેન લાભદાયક... સવારે ભુજથી તો બપોરે રાજકોટથી ઉપડશે ટ્રેન
Trending Photos
Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : આખરે લાંબા સમય બાદ કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાઈ છે અને આજથી ભુજ-રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી છે. જો કે આજે આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી હતી, આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. આ માત્ર જૂન મહિના સુધી જ નહીં પરંતુ કાયમી ચાલુ રહે તેવી વાત પણ મુસાફરોએ કરી હતી.
દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેન કે જે ભુજને ફાળવવામાં આવી હતી. ત્યારે તેના સ્થાને દોડતી ભુજ-ગાંધીનગર ઈન્ટરસિટી બંધ કરવામાં આવી હતી. ત્યારે આ રેક ભુજ- રાજકોટ વચ્ચે દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ 2024માં પ્રસ્તાવિત શિડયુલ અને સપ્ટેમ્બરમાં ગતિવિધિ નક્કી થયા બાદ આખરે આજથી આ ટ્રેનનો સતાવાર રીતે પ્રારંભ થયો છે.
ક્યારે ઉપડશે ટ્રેન
21 માર્ચથી એટલે કે આજથી આ ટ્રેનનો પ્રારંભ થયો છે અને તે 30 જૂન સુધી ચાલુ રહેશે. ભુજ રાજકોટ ટ્રેન ભુજથી સવારે 6.50 કલાકે ઉપડી બપોરે 1.35ના રાજકોટ અને રાજકોટથી બપોરે 2.35 કલાકે ઉપડી 21.40 ના પરત ભુજ પહોંચશે. આ ટ્રેન રસ્તામાં ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી, માળિયા, દહીંસરા, મોરબી ખાતે ઊભી રહેશે. જોકે, અંજાર અને આદીપુર જેવા મોટા સ્ટેશનની બાદબાકી કરાતા ત્યાં પણ આ ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તેવી વાત કરવામાં આવી રહી છે. ભુજ અને રાજકોટ વચ્ચેનું કુલ 273 કિલોમીટરનું અંતર કાપવા માટે આ ટ્રેન 7 કલાકનો સમય લેશે.
રેલવેના અમદાવાદ ડીવીઝન હેઠળ સંચાલીત થનારી આ ટ્રેનનું પ્રાથમિક મેઇન્ટેઇનન્સ ભુજ અને એક્ઝામિનેશન રાજકોટ સ્ટેશને ખાતે કરવામાં આવશે. આ ટ્રેન ઇલેક્ટ્રિક એન્જીન સાથે દોડશે અને ઉલ્લેખનીય છે કે ભુજ-રાજકોટ વચ્ચે વર્ષ 2003 આસપાસ આનંદ એક્સપ્રેસ દોડતી હતી. ત્યારે 22 વર્ષ બાદ ફરી ભુજ અને રાજકોટ વચ્ચે કનેક્ટીવીટી આવી છે, જેની પાછળ કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ અનેક લોકોની રજૂઆત છે.
ટ્રેન નંબર 09446/09447 ભુજથી રાજકોટ સુધી જશે. આ ટ્રેનમાં કુલ 10 કોચ છે જેમાં એક એસી ચેર કાર, એક સ્લીપર સાથે 6 જનરલ કોચ છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન બુકીંગની પણ વ્યવસ્થા છે. ખાસ કરીને ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે ત્યારે આ સમયગાળા દરમિયાન મહતમ પ્રવાસીઓને આ નવી સુવિધાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. તો રાજકોટ અને ભુજ વચ્ચે વર્ષોથી બિઝનેસમાં સબંધો રહ્યા છે ત્યારે વેપારીઓ માટે પણ આ ટ્રેન લાભદાયક રહેશે.
આજથી ભુજ-રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે મહત્વની વાત એ છે કે આ ટ્રેનનું ભાડું સામાન્ય વર્ગને પરવડે તેવું રાખવામાં આવ્યું છે.જેમાં જનરલ ક્લાસમાં રૂ.115, સેકન્ડ કલાસ સિટિંગમાં રૂ.125 અને એસી ચેરકારમાં રૂ.535 જેટલું ભાડું રાખવામાં આવ્યું છે.જ્યારે હાલમાં ભુજ રાજકોટ વચ્ચે ચાલતી એસટીની સાદી બસમાં સિટિંગનું અંદાજિત ભાડું 200 રૂપિયા અને વોલ્વો બસમાં 600 રૂપિયા જેટલું છે.
ભુજ - રાજકોટ વચ્ચેની આ સ્પેશિયલ ટ્રેન હોવાથી પ્રારંભિક તબક્કામાં 30 જૂન સુધી રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. પ્રવાસીઓની સંખ્યાના આધારે તેનું સંચાલન થશે. સામાન્ય રીતે એસટી બસમાં ભુજ રાજકોટ વચ્ચેની મુસાફરી દરમ્યાન 6 કલાક જેટલો સમય લાગતો હોય છે, જ્યારે ટ્રેનમાં પોણા 7 કલાક જેટલો સમય થાય છે. ત્યારે જો આ ટ્રેનની ગતિ વધારવામાં આવે અને ઓછા સમયમાં ભુજથી રાજકોટ મુસાફરોને પહોંચાડવામાં આવે તો મુસાફરોનો સમય બચે તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે