)
Rajkot News: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના અચાનક નિધન બાદ તેમનો પરિવાર હજુ શોકમાં છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે વિજય રૂપાણીની અંતિમવિધિ અને બેસણા પાછળ થયેલા આશરે 20 લાખ રૂપિયાના ખર્ચને લઈને એક મોટો વિવાદ સામે આવી રહ્યો છે.
ગુજરાતના એક અગ્રણી દૈનિક અહેવાલ મુજબ સ્વ.વિજયભાઈની અંતિમવિધીનો ખર્ચ પરિવારે ચુકવ્યો હોવાના સમાચાર મળતા રાજકોટ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે સ્થાનિક ભાજપમાં નારાજગીનો માહોલ છે. પરિવારને આ ખર્ચ પક્ષ ચૂકવશે તેવી અપેક્ષા હતી, પરંતુ રાજકોટ ભાજપે આ ખર્ચની જવાબદારી ઉઠાવવાનો ઇનકાર કરતા આ સમગ્ર બિલ સ્વ. રૂપાણીના પરિવાર પર નાખ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પક્ષે હાથ ઉંચા કર્યા, પરિવારજનો નારાજ
સ્વ. રૂપાણીના અવસાન બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને પક્ષ પરિવાર સાથે હોવાની હૈયાધારણ પણ આપી હતી. તેમના નિધન બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનો તમામ ખર્ચ પક્ષના પ્રદેશ નેતાઓ અને આગેવાનોએ ઉઠાવ્યો હતો. પરંતુ, તેમના વતન રાજકોટમાં નીકળેલી અંતિમયાત્રા અને બેસણા કાર્યક્રમમાં થયેલા ખર્ચના બિલો જ્યારે કોન્ટ્રાક્ટરો ભાજપ કાર્યાલયમાં લઈને ગયા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ ખર્ચ સ્વર્ગસ્થ રૂપાણીના પરિવારે ઉઠાવવો પડશે. આ ઘટનાથી પરિવારજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
એવી ચર્ચા ચાલી રહી છે કે પાર્ટી એવું માને છે કે અંતિમ સંસ્કાર, બેસણું અને પ્રાર્થનાસભા જેવી બાબતો 'અંગત' અને 'ખાનગી' પ્રસંગ ગણાય, અને તેનો ખર્ચ પરિવારે જ ભોગવવો જોઈએ. આ જ કારણોસર સ્મશાનયાત્રાના રૂટ પરના હોર્ડિંગ્સ, ફૂલહાર, શબવાહિનીનો શણગાર, રેસકોર્સમાં યોજાયેલ બેસણાની વ્યવસ્થા, અને ફોટોગ્રાફી સહિતના અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચ પરિવાર પાસેથી વસૂલવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પક્ષે તમામ ખર્ચ ઉઠાવ્યો, જ્યારે રાજકોટમાં પરિવાર પાસેથી ખર્ચ વસૂલવામાં આવતા રાજકારણ ગરમાયું છે. હાલમાં આ મુદ્દો રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.